નપા – પંચાયતની ચૂંટણીમાં ભાજપનું રોડરોલર

રાજકોટ જિલ્લાની 168 બેઠકો માંથી ભાજપનો 120 બેઠકો પર વિજય : કોંગ્રેસને 33 જ્યારે અન્યને મળી 15 બેઠક

રાજકોટ, તા. 18
ગઈ કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ ભાજપને વિજય બનાવ્યું એટલું જ નહીં ભાજપને ધૂરા પણ સોંપી છે કારણકે તજજ્ઞનું માનવું છે કે ભાજપના વિકાસ મોડલને સ્થાનિક લોકોએ અપનાવ્યું છે અને તેઓને આશા છે કે તેમના વિસ્તારમાં જે વૃદ્ધિ થવી જોઈએ તે માત્ર ભાજપ પક્ષ જ કરી શકશે અને તેને પરિણામે જ હાલ ભાજપ તરફી માહોલ જોવા મળ્યો અને ભાજપને મતદારોએ ખૂબ લઈને ખોબલે મત આપીને વિજય બનાવ્યું.
પાલિકાની 1677 બેઠકોમાંથી ભાજપના ફાળે 1250થી વધુ બેઠકો મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું છે. પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પાલિકાની 1677 બેઠકોમાંથી ભાજપના ફાળે 1250થી વધુ બેઠકો ગઇ. 68માંથી 49 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પંચાયતની 78માંથી 55 બેઠકો પર ભાજપનું બુલડોઝર ફર્યું. જૂનાગઢ મનપાની 60માંથી 48 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ચૂંટણી પહેલા જ રાજ્યમાં કુલ 214 બેઠકો બિનહરીફ થઇ છે. જેના કારણે 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ છે.. ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં બેઠકો બિનહરીફ થતાં ચારેયમાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન સ્થપાઇ ગયું છે. ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025 અંતર્ગત રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટાની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં જસદણ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 22 બેઠક ભારતીય જનતા પાર્ટીના, પ બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને 1 બેઠક પર અપક્ષના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. તો જેતપુર-નવાગઢ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 32 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના, 1 બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમજ 11 બેઠક પર અપક્ષના ઉમેદવારોએ જીત મેળવી હતી.
રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, 12 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો તેમજ ભાયાવદર નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોમાંથી 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, 9 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો અને ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 27 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, 6 બેઠક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 1 બેઠક પર ઓલ ઇન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન પક્ષના અને 2 બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજયી થયા હતા. આમ, પાંચ નગરપાલિકાના કુલ 42 વોર્ડની 168 બેઠકોમાંથી 120 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના,33 બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 1 બેઠક પર ઓલ ઇન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન પક્ષના અને 14 બેઠક પર અપક્ષના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે,તેમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ જેતપુર-જસદણ-ધોરાજી-ભાયાવદર અને ઉપલેટાના આજે પરિણામો આવી જતાં તમામ પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો કેસરિયો છવાયો છે અને પાંચેય નગરપાલિકામાં ફરી એકવખત ભાજપનું શાસન આવે તેવી બહુમતિ મળી છે. જો કે, ઉપલેટામાં પ્રથમ વખત ઓવૈસીની પાર્ટી અઈંખઈંખના ઉમેદવાર વિજેતા થયા છે. કોંગ્રેસને ફરી એક વખત નિરાશા હાથ લાગી છે.જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી 42 બેઠકો ઉપર જ ભાજપ ચૂંટણી લડતું હોવા છતાં 32 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. જ્યારે 11 અપક્ષો ચૂટાયા છે અને કોંગ્રેસને સમખાવા પુરતી માત્ર એક બેઠક મળી છે. આજ રીતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના મત વિસ્તાર જસદણ નગરપાલિકામાં 28 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલ છે.
ભાયાવદર નગરપાલિકામાં પણ ભાજપનો વિજય વાવટો ફરક્યો છે. કુલ 24 બેઠકોમાંથી ભાજપને 15 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. આજ રીતે ઉપલેટા નગરપાલિકામાં 36 બેઠકમાંથી ભાજપને 27, કોંગ્રેસને 6 અને ત્રણ બેઠકો અપક્ષને મળી છે. ઉપલેટામાં ભાજપને ચૂંટણી પહેલા જ પાંચ બેઠકો બીનહરીફ મળી હતી. જ્યારે બાકીની 31 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 22 ઉમેદવારો ચૂંટાયા છે. ધોરાજી નગરપાલિકામાં શાસન પલ્ટો આવ્યા જેવી સ્થિતિ સર્જાયેલ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીત વસોયાના વિસ્તાર ધોરાજી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો અને કોંગ્રેસને 12 બેઠકો મળી છે. આજે સવારે પાંચેય નગરપાલિકાઓની મતગણતરી અલગ અલગ સ્થળે હાથ ધરવામાં આવી હતી. પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થતાં વિજેતા ઉમેદવારોના વિજય સર્ઘષ નિકળ્યા હતાં.

નગરપાલિકાના પરિણામો કોંગ્રેસ માટે સારા: શક્તિસિંહ ગોહીલ

નગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક ના હોવાનું પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની પાછલી ચૂંટણીઓ અને તેના પરિણામોનો હવાલો આપીને શક્તિસિંહે કહ્યું કે, આ વખતે કોંગ્રેસ માટે સારા પરિણામો આવ્યા છે. જો કે તેમણે અંબરીશ ડેર, હર્ષદ રીબડીયા, જવાહર ચાવડા જેવા નેતાઓ કોંગ્રેસમાં ના રહેતા નગરપાલિકા વિસ્તારમાં અસર થઈ હોવાની કબૂલાત કરી હતી. શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે, અઈંખઈંખ ના મેન્ડેટ ભાજપે આપ્યા હતા. 2018માં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો હોવા છતા, આજના જેવા પરિણામો કોંગ્રેસને મળ્યા નહોતા. જૂનાગઢમાં જ્યા એક સમયે એક જ કોર્પોરેટર વિજયી થયા હતા ત્યાં આજે 11 કોર્પોરેટરો વિજયી થયા છે. સ્થાનિક મજબૂત નેતાઓ ના રહેતા, ચૂંટણીમાં રકાસ થયો હોવાનો પણ શક્તિસિંહે આડકતરો ઈશારો કર્યો હતો.

ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણીમાં પાંચ બેઠક પર ભાજપ, એક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા

રાજકોટ જિલ્લાની ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં પાંચ બેઠક પર ભાજપના ઉમેદવાર, જ્યારે એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સાથે રાજકોટ જિલ્લાની ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી. જેના માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મતગણતરી બાદ આ છ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગોંડલ તા.પં.ની સુલતાનપુર, ઉપલેટાની મોટી પાનેલી, જસદણની આંબરડી તથા ભાડલા, જેતપુરની પીઠડીયા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. જ્યારે ઉપલેટાની ડુમિયાણી બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે, તેમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે.

રાજુલા, જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો

અમરેલી: રાજુલા, જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસનું ખાતું ખુલ્યું નહીં. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપની જીતની ફટાકડા ફોડીને ઉજવણી કરી. ભાજપના વિજયથી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોડીનાર નગરપાલીકામાં તમામ 28 બેઠકો પર ભાજપનો ભગવો

ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. કોડીનાર નગરપાલિકામાં તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.આતશબાજી અને વીજય સરઘસથી દીવાળી જેવો માહોલ રચાયો છે.

ધોરાજીમાં ભાજપનો ભગવો

ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 36 માંથી 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે. બાર બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ગત ટર્મ માં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ગાબડું પડ્યુ છે. ભાજપે 24 બેઠકો પર જીત મેળવી અને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:16 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm