સંગઠનાત્મક બેઠકમાં પક્ષની વિચારધારા અને પદ્ધતિ અનુસાર કામગીરી કરવા નવનિયુક્ત પ્રમુખોને હાકલ
રાજકોટ મિરર, તા.19
જૂજ દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વવારા શહેર અને જીલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. બાદમાં નવી બોડી સુચારુ કામગીરી કરી શકે અને પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા આપી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોચાડી શકે તે માટે હાલ પ્રદેશ સંગઠન મારફત વિવિધ બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની અત્યંત મહત્વની બેઠક મળી હતી જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા પણ હાજર રહ્યા હતા.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં ખાસ તો સૌરાષ્ટ્ર ઝોનના નવનિયુક્ત પ્રમુખોનો પરિચય કરાવાયો હતો. એટલુજ નહિ આ બેઠકમાં પક્ષની વિચારધારા, પદ્ધતિ સાથોસાથ લોકોનો પરિચય કેળવવા સહિતની અનેકવિધ જરૂૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. ત્યારે આ સંગઠનાત્મક બેઠકમાં આગામી દિવસોમાં ક્યા પ્રકારની કામગીરી કરવી અને લોકોને સરકારી યોજનાઓ માટે કઈ રીતે લાભાર્થી બનાવવા તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
હાલ આ બેઠક એટલે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે વર્ષના અંતમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે નવું સંગઠન માળખું લોકો વચ્ચે જઈ પરિચિત થાય તે ખુબ જરૂૂરી છે. જો આ કરવામાં સંગઠન સફળ થશે તો ચૂંટણીમાં ભાજપને ઘણો ફાયદો પણ મળશે.
કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર ભાજપમાં ક્યાંકને ક્યાંક સ્થિતિ અનુકૂળ ન હોય તેવું જાણકાર વર્તુળો ચર્ચી રહ્યા હતા ત્યારે આ નવા સંગઠન માટે જે બેઠક યોજવામાં આવી તે ખરા અર્થમાં બુસ્ટરડોઝ સમાન હોવાનું મનાય છે.
