રાજ્યની દિવાળીને લાગશે ચાર ચાંદ : કાલે વડાપ્રધાન સૌરાષ્ટ્ર કચ્છના અનેકવિધ વિકાસ કામોને મુકશે ખુલ્લા
રાજકોટ, તા. 26
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બ્ાોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનશ્રી 2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, 1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ ક્નવર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બ્ાોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લીટર પાણી પૂં પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે 2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં 2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને 626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં 768 કરોડના ખર્ચે NH 151અના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, 1025 કરોડના ખર્ચે NH 151અના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, 136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને 256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે. આ સાથે જ 626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ ક્નવર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ ક્નવર્ઝન પ્રોજેક્ટ 1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રીજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રીજ અને 30 રોડ અંડરબ્રીજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે. આ સાથે જ વડાપ્રધાન પ્રવાસન સંબંધિત 200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.
