દૂષણને ડામવા સરકાર દર વર્ષે લોકદરબારો યોજે છે, અનેક ચામડાતોડને જેલભેગા કરે છે…છતાં હાલત હતી એવી ને એવી
ઓગણત્રીસ વર્ષના વાંંકાનેરના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો: 25 ટકા લેખે બે શખ્સે વ્યાજે આપી ઘણા વસુલ્યા છતાં ત્રાસ: ગામ મુકવું પડ્યું હતું: હજુ ધમકીઓ મળતાં અંતે છેલ્લુ પગલુ ભર્યુ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 16
વ્યાજંકવાદમાં ફસાયેલા અનેક લોકો અત્યાર સુધીમાં આપઘાત કરી ચુક્યા છે, તો અમુકે મરી જવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરીમાં ફસાઇ જનારા લોકોને પોલીસ કાયદાની રૂએ રક્ષણ આપે છે. વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી પણ કરે છે. આ દૂષણને ડામવા દર વર્ષે ગૃહમંત્રીની સીધી દેખરેખ હેઠળ પોલીસ લોકદરબારો યોજે છે અને ધડાધડ ગુના દાખલ કરી વ્યાજખોરોને જેલભેગા કરે છે. પરંતુ આ દૂષણ કાયમને માટે દૂર થતું નથી એ ચિંતાજનક છે. વધુ એક આવો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર ચાવડી ચોકમાં બહુચરાજી શેરીમાં રહેતાં અને કોલસાનો વેપાર કરી ગુજરાન ચલાવતાં ઓગણત્રીસ વર્ષના યશ પ્રફુલચંદ્ર ભાવસાર નામના યુવાને વ્યાજખોરોથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને ષડયંત્રમાં ફસાવ્યો છે, હવે સહન નથી થતું, મારી પાસે કોઇ રસ્તો નથી, મને માફ કરો!
યશ ભાવસારે વાંકાનેરમાં ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યશ એક બહેનથી મોટો છે અને કુંવારો છે. તેના પિતા હયાત ન હોઇ તે વિધવા માતાનો એકનો એક આધારસ્તંભ છે. તેણે આપઘાતના પ્રયાસ પુર્વે સ્યુસાઇડ નોટ લખી છે. તેમાં લખ્યું છે કે-હું યશ ભાવસાર આ છેલ્લા શબ્દો મારા પરિવાર અને સમાજને જણાવુ છું. હું માનસિક ત્રાસથી નીકળી રહ્યો છું, મારા ભોળપણને કારણે અને એકલો હોવાના કારણે મને એક ષડયંત્રમાં ફસાવ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે મારા કારણે મારા પરિવારને તકલીફ ભોગવવી પડે તેમ હતી.
આજથી મહિના પહેલા પણ હું ઘર મુકીને નીકળી ગયો હતો. હું વ્યાજના ચક્રમાં સલવાયો છું. આજથી બે પોણાબે વર્ષ પહેલા મારા સગા મારફત જ મેં વ્યાજે પૈસા લીધા હતાં. મેં સતત વ્યાજ ભર્યુ હતું. આ કારણે હું ફસાઇ ગયો હતો અને એક મહિના પહેલા પણ હું ત્રાસને કારણે ઘરેથી નીકળી ગયો હતો. મારી પાસે ઘણા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરાવી હતી. મારા નામે લોન લેવાની છે તેમ કહી કોરા ચેક પર સહીઓ લીધી હતી. મને પહેલીવાર દર મહિને 25 ટકા લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતાં. પછી ઉઘરાણી માટે ફોન ચાલુ કર્યા હતાં. રૂબરૂ બોલાવી વ્યાજ માંગી ગાળો દેતાં પછી મજાક મસ્તી કરતાં અને હું વ્યાજ ઓછુ કરવાનું કહું તો પચ્ચીસમાંથી વીસ ટકા કરી દેતાં હતાં. મને બ્લેકમેઇલ કરવા માંડ્યા હતાં.
રાજકોટ હોસ્પિટલના બિછાને પહોંચેલા યુવાન યશે સ્યુસાઇડ નોટમાં આગળ લખ્યું છે કે મારા ગયા પછી પણ મારા પરિવારને વ્યાજખોરોએ ત્રાસ આપ્યો હતો. ઘરે આવીને કહેતાં કે હવે તારા છોકરાને દારૂના કેસમાં ફસાવી દેવો છે, અમારે હવે પૈસા નથી જોઇતા પણ તમારા દિકરાના લગ્ન નહિ થવા દઇએ. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ રસ્તો બાકી રહ્યો નથી. આ લોકોએ સમાજમાં મારા કુટુંબીઓને ફોન કરીને પણ મારા વિશે ખોટી વાતો ફેલાવી દીધી હતી. છેલ્લે તો મારા માતા વિશે પણ ખરાબ વાતો કરવા લાગ્યા હતાં. મારી માતા વ્યાજની સામે દિકરીને લઇ જવાનું કહે છે તેવી ખોટી વાતો આ લોકોએ ફેલાવી દીધી હતી.
તેણે ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે છેલ્લે એટલુ જ કહીશ કે જો ન્યાયપુર્વક તપાસ કરવામાં આવશે તો સંપુર્ણ સત્ય બહાર આવશે. માફ કરજો, આ છેલ્લો રસ્તો છે, હવે મારી ક્ષમતા નથી. મને શાંતિ આપો. ચિઠ્ઠીમાં યશે બે લોકોના નામ પણ લખ્યા છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં વાંકાનેર સીટી પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં જે આક્ષેપો થયા છે તેમાં કેટલુ તથ્ય છે? ખરેખર યુવાને કેટલાક રૂપિયા વ્યાજે લીધા હતાં? કેટલા ચુકવ્યા? તે અંગે ચિઠ્ઠીમાં ઉલ્લેખ ન હોઇ પોલીસે તપાસ આગળ વધારી છે.
