શેર બજારમાં ઓછા રોકો અને વધુ કમાવ…લાલચ દઇ છેતરવાના કારસ્તાનમાં નિવૃત આર્મીમેન અને બેંક ડિરેક્ટરના કારસ્તાનનો પર્દાફાશ: રૂપિયાને ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી નાખતાં
એક રોકાણકારે એંસી લાખ જમા કરાવતાં આઠ કરોડનો નફો દેખાડાયો: પણ વિડ્રો કરવા જતાં કંઇ ન મળ્યું: જે એકમાઉન્ટ્સમાં નાણા જમા થયા તેના વિરૂધ્ધ દેશભરમાંથી થઇ ફરિયાદો
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.23
અજબ ગજબની સાયબર ફ્રોડની દુનિયાને ખુદ સાયબર એક્સપર્ટને સમજવામાં પણ આંખે અંધારા આવી જતાં હોય છે. સાયબર માફીયાઓનું સામ્રાજ્ય કમ્બોડીયા, ચાઇનીઝ માફીયાઓ સુધી વિસ્તરેલુ છે. દેશભરમાં આ પ્રકારના રોજબરોજ કરોડોના ફ્રોડ થઇ રહ્યા છે. દરમિયાન બે ગઠીયાને પકડી લેવામાં સફળતા મળી છે. પોલીસે નિવૃત આર્મીમેન અને બેંકના ડિરેક્ટરે મળી જબરો ખેલ પાડ્યો હતો. ટેલિગ્રામથી આ બંને ચાઇનીઝ ગઠીયાના સંપર્કમાં આવ્યા બાદ ગામને છેતરવાનો ખેલ શરૂ કર્યો હતો. બંનેએ મળી સામાન્ય લોકોના એકસોનવ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી તેમાં લાખો રૂપિયાને ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી ઠગાઇ કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે હૈદરાબાદથી બંનેને પકડ્યા છે. આ બંનેએ જે એકાઉન્ટસથી ફ્રોડ આચર્યા છે એ એકાઉન્ટ્સ વિરૂધ્ધ દેશભરમાંથી અગીયારસો બ્યાંસી જેટલી ફરિયાદો થઇ છે!
વિગતે વાત કરીએ તો શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપી નિવૃત આર્મીમેન અને બેન્કના ડિરેક્ટરે સાયબર ફ્રોડનો ખેલ રચ્યો. ટેલિગ્રામથી ચાઈનીઝ વ્યક્તિ સાથે મળીને સામાન્ય લોકોના 109 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને લાખો રૂપિયાને ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી છેતરપિંડી આચરી. આ ગેંગના હૈદરાબાદના બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બેન્ક એકાઉન્ટ વિરૂધ્ધ દેશભરમાંથી હજારો સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદો નોંધાયેલી છે. અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માંકડિયાએ ઘટના અંગે જણાવતા કહ્યું કે ફરિયાદીને એક વ્હોટ્સએપ નંબરથી શેરબજારમાં રોકાણ કરવાના બહાને મેસેજ આવ્યો હતો. તેને રોકાણથી વધુ નફો મળશે એવી લોભામણી લાલચ આપીને ફસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા.
ત્યારપછી ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. તેમની અંગત માહિતી લેવાના બહાને પહેલા એપમાં તેને પૈસા આપવામાં આવ્યા હતા અને આ જ એપ્લિકેશનમાં તેમને તે પૈસા રોકતા તગડો -ોફિટ થયો એવું દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પાસેથી અલગ-અલગ એકાઉન્ટમાં 80 લાખ રૂપિયા જમા કરાવીને 7 કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદી આ રકમ વીડ્રો કરવા જાય છે તો તે રકમ વીડ્રો થતી નહોતી અને એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી હતી. આ ઘટનાની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, શ્રીનિવાસન પદ્માવતી કો-ઓપરેટિવ બેન્કના એકાઉન્ટો મળતા હતા કે, જેમાં સેક્ધડ લેયરમાં પૈસા ગયા હતા અને એ અનુસંધાને અમે બે આરોપીની ધરપકડ કરી છે કે, જેમાં પ્રથમ આરોપી છે સ્વામી અયપ્પા નરાવુલા અને બીજા આરોપી છે વેંકટેશવરલુ ઉર્ફે વેન્કી. બંને આરોપીઓ વર્ષોથી સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટો ટ્રેડિંગનું કામ કરતા હતા.
આ આરોપીઓમાં પ્રથમ આરોપી એ રિટાયર્ડ આર્મીમેન છે અને ત્રણ વર્ષથી ક્રિપ્ટો ટ્રેડિંગનું કામ કરે છે. એક વર્ષ પહેલા એમનો સંપર્ક એક ચાઈનીઝ વ્યક્તિ સાથે ટેલિગ્રામમાં થયો હતો અને એમના માટે એ ક્રિપ્ટો કરન્સીમાં પૈસા ક્ધવર્ટ કરાવી આપવાનું કામ કરતા હતા. એસીપી માકડીયાએ વધુમાં તેઓએ જણાવ્યું કે, ચાઈનીઝ વ્યક્તિ તેઓને અલગ-અલગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરે છે અને બીજો આરોપી કે જે બેન્કનો ડિરેક્ટર છે, તેણે પોતાની બેન્કના અલગ-અલગ લોકોના 109 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. પોતે ક્રિપ્ટો ટ્રેડિંગમાં ક્લાસીસ આપવાનું કામ કરે છે એટલે આ અલગ-અલગ લોકોના ખાતામાં તે ફ્રોડના રૂપિયા જમા કરાવીને અયપ્પા અને વેંકી પોતે બંને વચ્ચે 5-10 ટકા કમિશન લેતા હતા. છેલ્લા એક વર્ષથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, આ ગઠિયાઓએ શ્રીનિવાસન પદ્માવતી કો-ઓપરેટિવ બેન્કના 109થી પણ વધુ બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડ માટે ઉપયોગ કર્યો છે.
આ તમામ એકાઉન્ટમાં સેક્ધડ લેયરમાં ફ્રોડની રકમ જમા થઈ છે. આ બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ સમગ્ર દેશમાં 1182 જેટલી સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદો નોંધાયેલી છે અને અમદાવાદ સાયબર ક્રાઈમના 5 ગુનાઓ ડિટેક્ટ થયા છે. આમાં જે મુખ્ય આરોપી હોય છે કે, જે 5 કેસ છે અમદાવાદના એમાં અમુક કેસમાં જેના આઇપી એડ્રેસ ટ્રેક થયા છે એ કંબોડિયાના છે. જે ત્યા બેઠા સાયબર ગઠિયાઓ છે, તે ફરિયાદીને ફસાવવાનું કામ કરે છે અને તેમના પૈસા પહેલા ડમી એકાઉન્ટમાં જમા કરાવે છે. આ રકમને ભારત બહાર લઈ જવા માટે અયપ્પા અને વેંકી જેવા લોકો મદદ કરતા હોય છે કે જે આ ફ્રોડની રકમને ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી દેતા અને તેના બદલામાં કમિશન લેતા હતા. આરોપી સ્વામી અય્યપ્પા નરાવુલા 2017 આર્મીમાંથી નિવૃત્ત થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કામ કરતો હતો. અન્ય બીજો આરોપી વેંકટેશવરલુ ઉર્ફે વેન્કી હૈદરાબાદની પદમાવતી કો- ઓપરેટીવ બેંકમાં ડિરેકટર તરીકે વીસ વર્ષથી કામ કરતો હતો. આ બંનેની તપાસમાં હજુ મોટા કડાકા ભડાકા થવાની પોલીસને આશા છે.
