રાજકોટ ડિવિઝન હેઠળ આવતી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 10 દિવસમાં 11 હજાર રાષ્ટ્રધ્વજનું વેચાણ 

0
195

રાજકોટ ડિવિઝન હેઠળ આવતી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 10 દિવસમાં 11 હજાર રાષ્ટ્રધ્વજનું વેચાણ 

દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશય સાથે ઉજવણી કરવા જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન થઇ રહ્યું છે ત્યારે રાજકોટ ડિવિઝન હેઠળ આવતી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 10 દિવસમાં 11 હજાર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાયું હોવાનું પોસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે.

આ ઉપરાંત 500થી વધુ રાષ્ટ્રધ્વજ પોસ્ટલ કર્મચારીઓએ ઘેર ઘેર જઈને આપ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. હાલ તિરંગાની ડિમાન્ડ ખૂબ વધુ છે જેની સામે પોસ્ટ ઓફિસોમાં સ્ટોક પ્રમાણમાં ઓછો છે. પોસ્ટ ઓફિસમાં રૂ. 25ની કિંમતે 2 બાય 3 ફૂટની સાઈઝનો સિન્થેટિક મટિરિયલનો રાષ્ટ્રધ્વજ લોકો લઇ શકે છે. રાજકોટ ડિવિઝન હેઠળ આવતી 248 પોસ્ટ ઓફિસમાં હાલ રાષ્ટ્રધ્વજનું વેચાણ ચાલુ છે.હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13થી 15 ઓગસ્ટ – 2022 દરમિયાન તમામ નાગરિકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ પોસ્ટલ ડિવિઝનના તાબા હેઠળની નાની મોટી તમામ 248 જેટલી પોસ્ટ ઓફિસોમાં તારીખ 1લી ઓગસ્ટથી 15 ઓગેસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે રૂ. 25ના નજીવા ભાવે રાષ્ટધ્વજનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્સિયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભરમાં જુદા જુદા સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વેચાણ થઇ રહ્યું છે. લોકોમાં ડિમાન્ડ વધી રહી છે શાળા-કોલેજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા જથ્થાબંધમાં રાષ્ટ્રધ્વજની માંગ કરાઇ રહી છે પરંતુ હાલ પોસ્ટ ઓફિસ કે અન્ય જગ્યાએ તિરંગાની અછત પ્રવર્તી રહી છે, સ્ટોક ઉપલબ્ધ નથી.