આજે ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેને આનુષંગિક સાધન-સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઇ-વ્હીકલ (EV)ની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ EVના રજિસ્ટ્રેશનમાં ૧૪૭૫ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ૧,૧૮,૦૮૬ સુધી પહોંચી છે, જે અગાઉ માત્ર ૭૨૪૦ હતી.
છેલ્લા પાંચ મહિનામાં દર મહિને ૮,૮૫૮ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ ૩૧,૫૬૧ ઈલેક્ટ્રીક વાહનો સુરતમાં નોંધાયા છે. તે પછી, અમદાવાદમાં ૨૦,૯૩૭, વડોદરામાં ૭,૬૪૮, રાજકોટમાં ૬,૬૭૮ અને જામનગરમાં ૩,૨૫૯ EV નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ ૧,૧૮,૦૮૬ ઇ-વ્હીકલમાંથી ૧,૦૬,૩૪૧ ટુ વ્હીલર, ૪૦૩૯ થ્રી વ્હીલર્સ અને ૫૬૪૬ ફોર વ્હીલર્સ છે અને બાકીના ૨૦૦૬ અન્ય કેટેગરીમાં આવતા ઈલેક્ટ્રીક વાહનો છે.
રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઝડપથી EV ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. હાલ રાજ્યમાં કુલ ૧૫૨ ચાર્જિંગ સ્ટેશન છે. આગામી સમયમાં ૨૫૦ નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં છે. સરકાર દ્વારા રાજ્યના દરેક વિસ્તારમાં સમાન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને ચાર્જિંગ સ્ટેશન સાઈટ પસંદગીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે BISAG-N સાથે મળીને ઝોન/હોટસ્પોટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં ૯૧, મ્યુનિસિપાલિટી અંતર્ગત આવતા વિસ્તારોમાં ૪૮, રાજ્ય ધોરીમાર્ગો/રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૯૬ હોટસ્પોટ અને પ્રવાસન સ્થળો પર ૧૫ હોટસ્પોટની પસંદગી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર લોકોને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અંગે ખૂબ જ જાગૃત કરી રહી છે. વર્ષ ૨૦૨૧માં લાગુ કરવામાં આવેલ આ પોલિસી અંતર્ગત ટુ-વ્હીલર પર મહત્તમ રૂ.૨૦,૦૦૦, થ્રી-વ્હીલર પર મહત્તમ રૂ.૫૦,૦૦૦ અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પર મહત્તમ રૂ.૧,૫૦,૦૦૦ની સબસીડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૩૩.૮૩ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે, જે અંતર્ગત કુલ બે લાખ ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવશે.
ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી એ ગુજરાતની નીતિ અને ગ્રીન ગ્રોથ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગ્રીન ગ્રોથ દેશમાં હરિયાળી ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તન સાથે જોડાયેલ છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરીને ગ્રીન ગ્રોથ ચલાવવામાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઈલેક્ટ્રીક વ્હિકલ આબોહવા પરિવર્તન સામે લડવામાં અને પ્રદુષણમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. વધુમાં, Evsના કારણે રોજગાર સર્જન પણ થાય છે. ગુજરાત અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને પરિવહન ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરી ટકાઉ ભવિષ્યમાં ફાળો આપી રહ્યુ છે.