સૌરાષ્ટ્રમાંથી 21% વીજચોરી એકલા રાજકોટમાં : રૂ. 27.48 કરોડનો દંડ

0
3524

છેલ્લા કેટલાક મહિનાથી વીજ ચોરીના દૂષણને કડક હાથે ડામવા માટે વીજ તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરીના દૂષણને ડામવા ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી આઠ મહિનામાં રૂપિયા 131 કરોડની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે. નવાઈની વાત તો એ છે કે આ વિજચોરીમાં 21 ટકા વીજ ચોરી માત્ર રાજકોટમાંથી જ પકડાઈ છે.

પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજચોરીના દૂષણને ડામવા માટે અવિરત ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પહેલાના સમયમાં મોટાપાયે વીજચોરી થતી હતી. લોકો લંગર નાખી સીધા જ થાંભલા થી વીજ પાવર ડાયરેકટ લઈ વીજચોરી કરતાં હતા. જેના કારણે સરકારને બહુ મોટો વીજ લોસ જતો હતો. જો કે બાદમાં આ વીજચોરીના દૂષણને ડામવા માટે સરકારે કડક આદેશ કર્યા હતા. પરિણામે વીજચોરીના દૂષણ સામે વીજ તંત્ર પણ કડક હાથે કામ લેતું થયું.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા આઠ મહિનામાં સૌરાષ્ટ્રમાં 429286 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા જેમાંથી 49,988 ગ્રાહકો પાવર ચોરી કરતા ઝડપાયા હતા. એકલા રાજકોટની જ વાત કરીએ તો છેલ્લા આઠ મહિનામાં રાજકોટમાં 27.48 કરોડનો દંડ વીજચોરી કરવા સબબ વસૂલવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્રમાંથી આઠ મહિનામાં રૂપિયા 131 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. આગામી દિવસોમાં વીજ ચોરી ઝડપવા માટે અલગ અલગ 12 ગ્રુપ ટીમો બનાવવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં આધુનિક ટેકનોલોજીની મદદથી પણ વીજ ચોરી પકડવામાં આવશે .

વીજચોરીના દૂષણને ડામવા માટે તંત્રએ હાઈટેક પદ્ધતિનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. ડ્રોન કેમેરાની મદદથી પણ વીજ ચોરી પકડવાનો પીજીવીસીએલ દ્વારા નવતર પ્રયોગ હાથ કરવામાં આવ્યો હતો. દિવસેને દિવસે તંત્રની ઘોસ વધતાં વીજચોરી કરનારા તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે..