26/11 2008 ના હુમલામાં શહીદ થયેલાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વીરોને શત શત વંદન

પ્રાસંગિક

બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે સૌને પ્રિય છે, એવાં શો કરોડપતિનાં આવતાં એપિસોડમાં જુવો એક સ્પેશિયલ ગેસ્ટ! એ ટ્રેલર જોયું અને 26/11 2008ની એ ગોઝારી ઘટના યાદ આવી ગઈ. જેમાં 10 સશસ્ત્ર સજ્જ આતંકવાદી ઓએ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં હુમલો કર્યો, આ હુમલા તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, કામા હોસ્પિટલ, સીએસટી સ્ટેશન, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, લિયોપોલ્ડ કેફે, મેટ્રો સિનેમા, મુંબઈ છબડ હાઉસ અને આ ઉપરાંત ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં આતંકવાદીઓ નિર્દયતાથી ગોળીઓ વરસાવી. હુમલો લગભગ 60 કલાક ચાલ્યો, જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયાં, અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં 26 વિદેશીઓ પણ હતાં. સિરિયલ બ્લાસ્ટ કરનારા આ આતંકવાદી ઓ હોટલ તાજમાં છુપાવામા સફળ થયાં, અને આમ 13 માંથી 10 આતંકવાદી હોટલ તાજમાં છુપાયાં હતાં. 26/11 મુંબઈ ટેરર અટેકને આજે 16 વર્ષ પૂર્ણ થયાં છે. આ આખું ઓપરેશન પાર પાડવામાં જે ખાખી વર્દી એટલે મુંબઈ પોલીસના ઓફિસરો અને બાહોશ પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે એને યાદ કરવાનાં છે, અને એથી પણ વધુ વિશ્વમાંથી આતંકવાદ ખત્મ થાય એ માટે સૌ દેશ એ સત્તાની કે મહા સત્તાની લાલચ માંથી બહાર આવી વૈશ્વિક શાંતિ માટે વિચારવું પડશે, વસુધૈવ કુટુંબની ભારતીય મૂળની પરંપરાને જીવિત કરવી પડશે, અને સૌ સાથે પરિવાર જન જેવો ભાવ રાખવો પડશે.
28 નવેમ્બરની વહેલી સવારે મુંબઈ પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા તાજ હોટેલની આજુ બાજુ કડક સુરક્ષા ગોઠવી દેવાઇ હતી. બીજે દિવસે, 29 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડસ્ દ્રારા શેષ રહેલા આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન બ્લેક ટોર્નેડો હાથ ધર્યું. જેના પરીણામ રુપે બધા જ આતંકવાદીઓને મારી નખાયા. હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી, અજમલ કસાબ દ્રારા જાહેર કરવામાં આવ્યુ કે તેઓ પાકિસ્તાનના લશ્કર એ તોયબા સંગઠનના સભ્યો હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે અજમલ કસાબને ફાંસીની સજા આપી.
આ આખાં ઓપરેશનમાં ત્રણ પોલીસ કમિશનર અને એક પોલીસ ઇન્સ્પેકટર શહીદ થયાં અને બાદમાં તેમને અશોક ચક્ર ની પદવી એનાયત કરવામાં આવી.
હેમંત કરકરે મુંબઈ આતંકવાદ વિરોધી દળના વડા હતા. તેઓએ 1982 થી 2008 સુધી પોતાની ફરજ બજાવી અને 2008 ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન છાતીમાં ત્રણ ગોળી વાગતાં શહીદ થયા હતા. તેમને 26 જાન્યુઆરી 2009 ના રોજ અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.
અશોક કામ્ટે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ 2008 મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેમને વીરતા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.
તુકારામ ઓમબ્લે પણ 1991 મા મુંબઈ પોલીસમાં મદદનીશ સબ ઇન્સપેક્ટર તરીકે નિયુક્ત હતા. તેઓ 1954 મા ભારતીય ભૂમિ સેના માંથી નિવૃત્ત થયા બાદ પોલીસમાં જોડાયા હતા. તેઓ પણ 2008 મુંબઈ આતંકી હુમલા દરમિયાન ગિરગામ ચોપાટી, મુંબઈ ખાતે આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેઓએ હુમલામાં સંડોવણી ધરાવતા આતંકવાદી અજમલ કસાબને જીવિત પકડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પાછળથી અજમલ કસાબ પર ખટલો ચાલ્યો, અને તેને ફાંસી પર ચડાવાયો હતો. આ સાહસ, નિસ્વાર્થતા અને સર્વોચ્ચ બલિદાન માટે ઓમ્બલેને ભારત સરકારે અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત નવાજ્યા હતા.
26/11 2008 ના આ સિરિયલ બ્લાસ્ટ વિશે સર્ચ કરતી હતી તો ઘણી એવી વાત જાણવા મળી કે જે ખરેખર આપણને સમગ્ર ટાટા ગૃપ માટે પ્રાઉડ ફીલ કરાવે.
સૌ પ્રથમ તો હોટલ તાજ બનવા પાછળનું કારણ, એકવાર જમશેદજી ટાટા બ્રિટન ગયા અને ત્યાં તેમને ભારતીય હોવાને કારણે હોટલમાં રોકાવાની મંજૂરી આપી નહીં! અને ત્યારે એમણે ભારતમાં એક ભવ્ય હોટલ બનાવશે કે જે ફક્ત ભારતીય નહીં પણ દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે! અને આમ ગેટ વે ઓફ ઇન્ડિયા ના 10 વર્ષ પહેલાં એટલે કે 1903 મા હોટલ તાજ નું નિર્માણ થયું. હોટલ તાજ એ ઇન્ડિયન નેવીને રસ્તો બતાવવા માટે એક ટ્રાયંગલ પોઇન્ટનું કામ કર્યું છે. ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન હોટલ તાજને એક હોસ્પિટલમાં બદલવામાં આવી હતી. આ ઉપરાંત આ હોટલ સાથે બીજી પણ ખાસિયત જોડાયેલી છે. જેમાં આખો દિવસ બાર અને આખો દિવસ રેસ્ટોરન્ટ ચલાવવા માટે લાઇસેન્સ મળ્યું હતું. 1972માં દેશમાં પહેલીવાર 24 કલાક ખુલી રહેનાર કોફી શોપ પણ અહીં જ હતી. પહેલી હોટલ કે જેમાં ઇન્ટરનેશનલ સ્તરનું ડિસ્કોથેક હતું. જર્મન એલિવેટર્સ લગાવવામાં આવ્યા હતા. તુર્કીના બાથ ટબ અને અમેરિકન કંપનીના પંખા લગાવવામાં આવ્યા હતા. પ્રથમ હોટેલ કે જેમાં બ્રિટીશ બટલર્સને હાયર કર્યા હતા. પ્રથમ ચાર દાયકા સુધી, હોટલના રસોડાઓ ફ્રેન્ચ શેફ દ્વારા ચલાવવામાં આવતા હતા. આતંકવાદી હુમલા બાદ બરાક ઓબામા આ હોટલમાં રોકાનારા પહેલા વિદેશી રાષ્ટ્રપતિ હતા. હોટલની શરૂઆતમાં સિંગલ રૂમનું ભાડું દસ રૂપિયા હતું. પંખા અને અટેચ્ડ બાથરૂમ વાળા રૂમનું ભાડું 13 રૂપિયા હતું.
હવે પાછા 26/11/2008 પર આવીએ, આ 26/11 નાં સિરિયલ બ્લાસ્ટમાં હોટલ તાજ પણ સામેલ હતી. 600 રૂમ અને 44 સ્યુટ ધરાવતી ભારતની પ્રથમ લક્ઝરી હોટેલ તાજ મહેલ પેલેસ પર પાકિસ્તાનનાં 10 આતંકવાદી ઓએ હુમલો કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ હોટલ તાજ એ ટાટા ગૃપ અંડર આવે છે અને એટલે રતન ટાટાને આ સમાચાર મળતાં જ તેઓ થોડીવારમાં તાજ હોટલનાં ગેટ પર પહોંચી ગયાં. તમામ અવરોધો છતાં રતન ટાટા તાજ હોટલની અંદર ગયા અને ત્યાં ત્રણ દિવસ અને ત્રણ રાત રોકાયા. એમણે તાત્કાલિક એવી જાહેરાત કરી કે ભલે આખી સંપત્તિ એટલે કે હોટલ ઉડાવી દેવી પડે પણ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ.
26/11 હુમલા પછી રતન ટાટાએ જે કર્યું તે માત્ર તેઓ જ કરી શક્યા હતાં. હુમલાના 20 દિવસની અંદર તેમણે એક ટ્રસ્ટની રચના કરી. આ 20 દિવસમાં આ ટ્રસ્ટે હુમલામાં માર્યા ગયેલા દરેક કર્મચારીના પરિવારને 36 લાખથી 85 લાખ રૂપિયા સુધીનું વળતર આપ્યું હતું. માત્ર તાજ હોટલના કર્મચારીઓને જ નહીં પરંતુ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા અન્ય લોકોને પણ વળતર આપ્યું હતું, જેમ કે રેલવે કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, ત્યાંથી પસાર થતા લોકો. રતન ટાટાએ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોનાં બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પણ લીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે જે કામ રતન ટાટાએ માત્ર 20 દિવસમાં ટ્રસ્ટ બનાવીને કર્યું, એ જ કામ કરવામાં સરકારને વર્ષો લાગ્યાં. પરંતુ રતન ટાટાએ આ કામ ઝડપથી કર્યું. તો 26/11 2008 ની ગોઝારી ઘટના ઘટી ત્યારે જે શહીદ થયા એને તો આપણે યાદ કરવાનાં જ છે! અને તેમની બહાદૂરી ને વંદન કરી શ્રદ્ધાંજલિ આપવાની છે, પણ જેમણે આ આખી ઘટનામાં નુકશાન પહોંચ્યું એ તમામને વળતર આપ્યું એ દેશપ્રેમી રતન ટાટા ને શત શત વંદન અને ભારતની શાન ગણાતી આવી હોટલ નું નિર્માણ કરનાર જમશેદજી ટાટા ને પણ વંદન ! કારણકે એમનાં દેશપ્રેમ આગળ આપણું મસ્તક કાયમ નમવું જોઈએ. ધન્ય છે એ ભારત ભૂમિના સૌ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વીરને. જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:26 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech