ધો .4ના વિદ્યાર્થી, એક યુવક સહિત સહિત 6નાં હૃદયરોગનો હુમલાથી મોત
રાજકોટ, તા. 29
રાજકોટ શહેરમાં ગત 24 કલાકમાં હૃદયરોગના હુમલાના કારણે મોતના 6 બનાવ બન્યા છે. જેમાં ધો.4માં અભ્યાસ કરતા 10 વર્ષીય વિદ્યાર્થી, એક યુવક સહિત 6 લોકોના સ્વાસ્થ્ય લથડિયા બાદ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત નીપજ્યાં હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે રહેતા અને ધો.4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચા નામનો 10 વર્ષનો માસુમ બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પૂર્વાગ ધામેચા ધો.4માં અભ્યાસ કરતો કરતો હતો. પૂર્વાગ ધામેચાને બે દિવસ ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. અને ત્યાં તબીબે ઇન્જેકશન આપી સારવાર આપી હતી. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો છે.
બીજા બનાવમાં રાજકોટમાં જામનગર રોડ ઉપર રહેતા લિંગરાજ તનુભાઈ બીસી નામના 38 વર્ષના યુવકને હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ત્રીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિર પાછળ રહેતા કુસુમબેન કાંતિભાઈ પીઠવા (ઉ.વ.57) પોતાના ઘરે હતા. ત્યારે મધરાત્રે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતક પ્રોઢાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ચોથા બનાવમાં સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા યાદવનગરમાં રહેતા 47 વર્ષીય રાજુભાઈ કાળુભાઈ કુચાણા રૈયા રોડ ઉપર આવેલી કર્મચારી સોસાયટીમાં મજૂરી કામ માટે ગયા હતા. ત્યારે સાડા દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ કુચાણા પાંચ ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
પાંચમા બનાવમાં રાજકોટની ભાગોળે કુવાડવા ગામ પાસે રહેતા જગુભાઈ દાનાભાઈ ચૌહાણ નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી જગુભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જગુભાઈ ચૌહાણ મૂળ અમરેલીના ચીતલ ગામના વતની હતા અને છૂટક મજૂરી કરતા હતા. જગુભાઈ ચૌહાણને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
છઠ્ઠા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતા સુરેશભાઈ કલુભાઈ ગૌતમ નામના 51 વર્ષના આધેડ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.પ્રાથમિક પૂછપરછ મૃતક સુરેશભાઈ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને ત્રણ ભાઈ બે બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.