બોલેરોમાં ઘેની પીણુ પાઇ બેભાન કરી બળાત્કાર: વિડીયો ઉતાર્યો

ચાર વર્ષ પહેલા લગ્નમાં પરીચય થયો પછી ફેસબૂક ફ્રેન્ડ બનાવી ફસાવી: છેલ્લે યુવતિને આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો

રાજકોટની યુવતિને આ વિડીયોના આધારે પડધરી મેટોડાના વિરમ સાનીયાએ સતત બ્લેકમેઇલ કરી જુદી જુદી હોટેલોમાં લઇ જઇ દેહ પીંખ્યો: યુવતિના લગ્નના આગલા દિવસે અને લગ્ન પછી પણ બ્લેકમેઇલ કરી ધરાર શરીર સંબંધો બાંધ્યો: યુવતિના પતિએ સમજાવતાં તેને પણ ધમકાવ્યો: કંટાળીને અંતે નોંધાવી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: સોશિયલ મિડીયા થકી યુવતિઓ, સગીરાઓ કે છાત્રાઓને ફસાવી પહેલા મિત્રતા અને બાદમાં પ્રેમજાળમાં ફસાવી તેનુ જીવતર બગાડી નાખવાના બનાવો અવાર-નવાર બનતા રહે છે. આવો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટ શહેરમાં રહેતી એક યુવતિ ચાર વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં જામનગર ગઇ ત્યારે પડધરીના મેટોડાના શખ્સ સાથે પરીચય થયો હોઇ બાદમાં આ શખ્સે ફેસબૂક ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી એક વખત યુવતિને બોલેરોમાં બેસાડી ઘેની પીણુ પાઇ બેભાન કરી બળાત્કાર ગુજારી લઇ તેનો વિડીયો ઉતારી તેના આધારે સતત બ્લેકમેઇલ કરી અવાર-નવાર હોટેલોમાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં તેમજ યુવતિના લગ્ન લેવાયા હતાં તેના આગલા દિવસે પણ બળજબરી કરી લેતાં અને ફોટા પાડી ધમકીઓ દેતાં અને લગ્ન બાદ પણ શોષણ ચાલુ રાખતાં યુવતિએ આપઘાતનો પ્રયાસ કરતાં વાત પોલીસ સુધી પહોંચી હતી.
ચોંકાવનારા અને લાલબત્તી સમાન એવા આ કિસ્સાની વિગતો પર નજર કરીએ તો આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર પચ્ચીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી પડધરીના મેટોડા ગામે રહેતાં વિરમ નાગજીભાઇ સાનીયા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર યુવતિ સાથે સોશિયલ મિડીયાથી પરિચય કરી મિત્રતા કેળવી બોલેરો ગાડીમાં બેસાડી ઠંડાપીણામાં નશાકારક પદાર્થ ભેળવી તેણીને પીવડાવી બેભાન જેવી કરી બળાત્કાર ગુજારી તેમજ તેનો વિડીયો બનાવી તેના આધારે બ્લકમેઇલ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી ફોટા પાડી જો સંબંધ નહિ રાખે તો ફોટા, વિડીયો વાયરલ કરી દેશે કહી તેણીને તથા તથા તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી શોષણ કર્યાનો આરોપ મુકાયો છે. ભોગ બનનાર યુવતિએ જણાવ્યું છે કે મારા લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે, હાલ હું મારા માવતરે છું. વર્ષ 2021માં હું તથા મારો આખો પરિવાર જામનગર પંથકમાં અમારા સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતાં. તે વખતે મારી મુલાકાત વિરમ નાગજી સાનીયા સાથે થઇ હતી. એ પછી અમે રાજકોટ આવી ગયા બાદ વિરમે મને ફેસબૂક આઇડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં મેં તે સ્વીકારી હતી.
ત્યારપછી અમે બંનેએ ફેસબૂક પર દસ બાર દિવસ વાતચીત કરી હતી અને એકબીજાના ફોન નંબરની આપ લે કરી હતી. મારા વ્હોટ્સએપ નંબર પણ મેં તેને આપ્યા હતાં. એ પછી અમે એક વર્ષ સુધી એટલે કે 2022 સુધી એક બીજા સાથે વ્હોટ્સએપથી વાતચીત કરી હતી, જેની મારા પરિવારજનોને જાણ નહોતો. ત્યારબાદ આજથી બે વર્ષ પહેલા વિરમ સાનીયાએ મને વ્હોટ્સએપ કોલ કરી રાજકોટ ખાતે મને મળવા આવ્યો હતો. હું એકલી હોઉ ઘરેથી નીકળી ત્યારે ગાંધીગ્રામ નજીક રોડ પર વિરમ સફેદ રંગની બોલેરો લઇને આવ્યો હતો. તેની આ ગાડીમાં હું બેસી જતાં તે કષ્ટભંજનના ખુણા તરફ લઇ ગયો હતો અને ગાડી ઉભી રાખી હતી. અમે વાતચીત કર્યા બાદ વિરમ પોતાની પાસે ઠંડુપીણુ થમ્સઅપની બે બોટલ લાવ્યો હતો તેમાંથી એક મને પીવા આપી હતી અને બીજી પોતે પીવા માંડ્યો હતો. મેં થમ્સઅપ પીધા બાદ હું બેભાન થઇ ગઇ હતી.
હું ભાનમાં આવી ત્યારે મારા કપડા વિરમે ઉતારી લીધા હતાં. ઠંડાપીણામાં કોઇ નશાકારક પદાર્થ ભેળવી મને પીવડાવી બેભાન કરી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. મેં તેને મારી સાથે ખોટુ કર્યુ હોવાની વાત કરી હું મારા ઘરનાઓને જાણ કરી દઇશ તેમ કહી હું બોલેરોમાંથી ઉતરી ગઇ હતી અને મારા ઘરે પહોંચી ગઇ હતી. એ પછી વિરમે મને વ્હોટ્સએપ કોલ કરી કહેલુ કે મેં તારો વિડીયો ઉતારી લીધો છે, જો તું તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હુ઼ વિડીયો વાયરલ કરી દઇશ, તારી બદનામી કરી નાખીશ તેમ કહી ધમકી આપતાં મેં કોઇને વાત કરી નહોતી.
તેની ધમકીને કારણે હું તેની સાથે વ્હોટ્સએપ પર વાત કરતી હતી. ત્યારપછી પાંચેક મહિના બાદ વિરમ એકલો રાજકોટ આવ્યો હતો અને બપોરના સમયે મને ફરી બોલેરોમાં બેસાડી બજરંગવાડી વિસ્તારની હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં રજીસ્ટરમાં મને સહી કરવાનું કહેતાં મેં સહી કરી હતી. અહિ રૂમમાં પણ મારી સાથે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્યારબાદ ત્રીજી વખત વિરમે મને ફોન કરી પરા પીપળીયાના પાટીયે બોલાવતાં હું મારા ઘરે મામાને ત્યાં બહર ગામ જવાનું કહીને રિક્ષામાં બેસી પરા પીપળીયાના પાટીયે જતાં ત્યાં વિરમ બોલેરો લઇને ઉભો હતો.
તેમાં મને બેસાડી તે પડધરીના મેટોડા મુકામે તેની ઓફિસે લઇ ગયો હતો. ઓફિસમાં મારી સાથે ત્રીજીવાર મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધી લીધો હતો. એ પછી તે મને ધ્રોલના પાટીયા સુધી મુકી ગયો હતો. ત્યાંથી હું મામાને ત્યાં ગઇ હતી અને પાંચેક દિવસ રોકાઇ હતી. ફરી વિરમે વ્હોટ્સએપ કોલ કરી કહેલુ કે હું તને ધ્રોલના પાટીયે લેવા આવુ છું. આ પછી હું ધ્રોલના પાટીયે જતાં વિરમ બોલેરો લઇને આવેલો અને તરઘડી પાસેની હોટેલમાં લઇ ગયો હતો.
ત્યાં ચોથીવાર બળાત્કાર ગુજાર્યો હતો. અહિ પરાણે મુખ મૈથુન કરાવતાં મને ઉલ્ટી થવા માંડી હતી. એ પછી વિરમ મને રાજકોટ મુકી ગયો હતો. ત્યાર પછી ગત એપ્રિલ મહિનામાં લગ્ન પ્રસંગ હોઇ જાન નજીકના ગામે ગઇ હોઇ હું એકલી હતી ત્યારે વિરમે ફરી વ્હોટ્સએપ કોલ કર્યો હતો અને કહેલુ કે મને મળવા આવ. પણ મેં તેને કુટુંબમાં લગ્ન છે અને જાન ગઇ છે તેમ કહેતાં તેણે હું તારા ઘરે આવુ છું તેમ કહેલુ, મેં ના પાડતાં તેણે વિડીયો વાયરલ કરવાની અને મારા ભાઇના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપતાં મેં તેને છેલ્લીવાર મળી જવા કહેતાં તે મારા ઘરે આવેલો અને ફરી અહિ શરીરસંબંધ બાંધી તેના ફોટા પણ વિરમે મોબાઇલથી પાડી લીધા હતાં અને નીકળી ગયો હતો.
યુવતિએ એફઆઇઆરમાં આગળ જણાવ્યું છે કે મારા લગ્ન થઇ ગયા હોઇ હું ત્રણેક મહિના પછી પીયર આવી હતી. ત્યારે ફરી વિરમે વ્હોટ્સએપ કોલ કરી બોલાવતાં હું બજારે જવાનું કહીને નીકળી હતી અને ત્રિકોણબાગે જતાં વિરમ બોલેરો લઇને આવેલો અને મને બસ સ્ટેશન પાછળ હોટેલમાં લઇ ગયો હતો. ત્યાં પણ રૂમમાં મારી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી ધમકી આપી હતી કે તારા લગ્ન ભલે થઇ ગયા, હું બોલવુ એટલે આવવુ જ પડશે નહિતર તારા ફોટા વિડીયો વાયરલ કરી દઇશ અને તારા પરિવારને બદનામ કરી દઇશ. એ પછી તે મને ત્રિકોણબાગ ઉતારી જતો રહ્યો હતો અને હું રિક્ષામાં ઘરે આવી ગઇ હતી. ત્રણેક દિવસ પછી ફરીથી વ્હોટસએપ કોલ કરી મારા ડોક્યુમેન્ટ માંગ્યા હતાં. મેં તેને ડોક્યુમેન્ટ શું કરવા છે? તેમ કહેતાં તેણે મારે જોઇએ છે કહી ધમકી આપતાં મેં આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, જન્મ તારીખનો દાખલો, સ્કૂલ લીવીંગ, પાસપોર્ટ સાઇઝના ફોટા બધુ આપ્યું હતું. હું વિરમની ધમકીથી કંટાળી ગઇ હતી.
એ દરમિયાન મને મારો પતિ સાસરે તેડી ગયો હતો. ત્યાં પણ વિરમ અવાર-નવાર ફોન કરી, વ્હોટ્સએપ કોલ કરતો હોઇ મારા પતિને ખબર પડી જતાં તેણે વિરમને ફોન કરી મને હેરાન નહિ કરવા જણાવ્યુ઼ હતું. ત્યારે વિરમે મારા પતિને પણ ધમકી આપી હતી. બાદમાં મારા પતિએ મારા ભાઇને વાત કરી મને તેડી જવાનું કહેતાં મને દોઢેક મહિના પહેલા માવતરે લઇ ગયા હતાં.
હું કંટાળી ગઇ હોઇ મેં અગાસીએથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાઇ હતી. બાદમાં કુટુંબીજનોએ મને આ પગલુ ભરવાનું કારણ પુછતાં મેં વિરમે મારી સાથે બળજબરી કરી ફોટા વિડીયો લઇ વાયરલ કરવાની ધમકી આપી સતત પરાણે શારીરિક સંબંધ બાંધી લીધાની અને તે ધમકીઓ આપતો હોવાની વાત કરતાં અંતે મને કુટુંબીજનોએ ફરિયાદ નોંધાવવા હિમત આપતાં મેં ફરિયાદ કરી હતી. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. કરપડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:52 pm, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm