સદગુરૂ કૃપા હી કેવલમ્…પ્રાસંગિક

કાર્તિકી પૂર્ણિમાએ સ્વર્ગને બચાવવા ભગવાન શિવએ ત્રિપુરાસુરનો વધ કર્યો

આજે કારતક સુદ પૂર્ણિમા જેને આપણે દેવ દિવાળી તરીકે ઓળખીએ છીએ. આપણે પુરાણો પરથી એવી કેટલીયે દંત કથાઓ સાંભળી હશે, વાંચી હશે, કે કોઈને મોઢે સાંભળી હશે, અને એમાં બંનેમાં જે ચડિયાતું પાત્ર હોય, એને દેવ કહેવાય અને વિકૃત કે હલકું પાત્ર હોય એને દાનવ કહેવાય. દિવાળી એટલે જીવન સંબંધોને સંવારવાનો અવસર અને દેવ દિવાળી એટલે ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા અને વિશ્વાસનું જતન કરવાનો અવસર એવું ચિંતન કરી શકાય. કાળ ચક્રના પૈડાંનું એટલે કે જીવનની ગતિવિધિઓનું શાંત રીતે નિરીક્ષણ કરવામાં આવે તો એમાં ઉતાર ચઢાવના મોડ આવતાં જ રહેતાં હોય છે, અને આ કંઈ આજનાં સમયની વાત નથી. સતયુગથી શરૂ કરીને આજે એટલે કે કળિયુગ સુધી આવા ઉતાર ચઢાવનો દોર જોઈ શકાય છે, અને એવું પણ નથી કે દેવને શાંતિ હતી. દેવને પણ પોતાનું સામ્રાજ્ય બચાવવા માટે બહુ જ મહેનત કરવી પડતી હતી. કારણ કે શક્તિશાળી દાનવો ( બુરાઈ ) એ સમયે પણ દેવનાં ( અચ્છાઈ) અસ્તિત્વને જોખમમાં મૂકી શકે તેમ હતા. જોકે દેવ દાનવ એ કદાચ પહેલાંનાં સમયની શ્રેણી હતી, એટલે આપણે એને દંતકથા રૂપે જોઈએ છીએ, પરંતુ આજે પણ સમાજમાં એ જ રીતે સજ્જન કે વૈષ્ણવો કે પછી સાધુ પુરુષ વ્યક્તિત્વ જોવા મળે છે, જેના જીવન વિશે જાણીએ તો આપણને દેવ કરતાં પણ વધુ આકરી આકરી પરિસ્થિતિ માંથી પસાર થયાનું જાણવા મળે છે. દેવ દિવાળી સાથે પણ આવી એક દેવ દાનવની દંતકથા જોડાયેલી છે એને વિશે વાત કરીશું.
પૌરાણિક કથા અનુસાર ત્રિપુરાસુર નામનો એક બહુ જ શક્તિશાળી રાક્ષસ હતો, તે ખુબ જ તપ કરતો હતો. તેની તપની વિધા જોઈને દેવો સમજી ગયા, કે આ કોઈ સામાન્ય તપ કરતો નથી, અને જે ત્રણે લોકનું અહિત કરવા તપ કરી રહ્યો છે, માટે તેમણે તેનું તપ ભંગ કરવા માટે અપ્સરાઓને મોકલી, પરંતુ તે અપ્સરાઓ પણ તપ તોડી ન શકી. તે કામ, ક્રોધ, કે રૂપને વશ થયો નહીં. અને તેણે પોતાનું એ તપ ચાલુ રાખ્યું, અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, અને અમરતાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તેને કહ્યું કે શરીર છે માટે મૃત્યુ પણ અનિવાર્ય છે, તોય અન્ય વરદાન માંગી લે ત્યારે તેણે કોઈ દેવથી ન મરું, કોઈ રાક્ષસથી ન મરું! કોઇ સ્ત્રીથી ન મરું! કે કોઈ રોગથી ન મરું! એવું વરદાન માંગ્યું, અને બ્રહ્માજી તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. ત્રિપુરાસુર એ સમગ્ર પૃથ્વી પર ત્રાસ ફેલાવવાનું શરુ કર્યું, અને અન્ય રાક્ષસો પણ તેની સાથે જોડાયા. તેમણે રાક્ષસોને કહ્યું કે દેવતાઓ પાસેથી સ્વર્ગ છીનવી લેવાનું છે, અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પણ લઈ લેવાની છે, જો કોઈ ન માને તો તેને મોતને ઘાટ ઉતારી દો. દેવ દાનવનું ભયંકર યુદ્ધ થયું, અને દેવતાઓને સ્વર્ગ છોડવું પડયું. લગભગ દેવતાઓને એવું લાગ્યું કે, આપણે હવે હારી જઇશું, અને જો આ ત્રિપુરાસુર સ્વર્ગ પર કબજો કરી લેશે તો આપણે ક્યાં જઈશુ? આથી તેઓ બધા શંકરને શરણે જાય છે. ત્રિપુરાસુર ત્યાં પણ પહોંચી જાય છે, અને યુદ્ધ માટે લલકારે છે. બ્રહ્મા, નારદ, અને ઇન્દ્ર, ભગવાન શિવને પ્રાર્થના કરે છે, કે હવે તમે જ આનો કોઈ ઉપાય શોધો. ભગવાન શંકર ત્રિપુરાસુરને એક જ બાણ મારે છે, અને તેનું મૃત્યુ થાય છે, તેથી દેવો પોતાના વિજય માટે કે સ્વર્ગ બચી ગયું એમ કરીને હર્ષોલ્લાસથી નાચવા લાગે છે, અને આ દિવસે કારતકી પૂર્ણિમા હતો, એટલે એ દિવસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. એને દેવ દિવાળી કે ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
આપણી દિવાળીની જેમ જ પ્રબોધિની એકાદશી કે તુલસી વિવાહથી શરૂ કરીને કારતકી પૂર્ણિમા સુધી દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. લગ્નનો પ્રસંગ પાંચ દિવસનો હોય એ રીતે પૂર્ણિમાને દિવસે તુલસી વિવાહની સમાપ્તિ થાય છે. પરંતુ પ્રબોધિની એકાદશીના દિવસે ચિંતનમાં આપણે જોયું કે જલંધર નામનાં એક અસુરના ત્રાસથી બચવા દેવોએ વિષ્ણુને વિનંતી કરી અને આમ એક શક્તિશાળી અસુરને યુદ્ધમાં છેતરપિંડી કરીને મોતને ઘાટ ઉતાર્યો, અને એની પતિવ્રતા પત્ની વૃંદાને કારણે સ્વયં ભગવાન વિષ્ણુ દંડિત થયાં, અને વૃંદા પોતાના પતિ જલંધરનું મસ્તક ખોળામાં રાખી સતી થઈ અને એ રાખમાં તુલસીનો છોડ ઉત્પન્ન થયો. જ્યારે કાર્તિકી પૂર્ણિમાએ બ્રહ્માજી પાસેથી લગભગ અમરતાની નજીકનું વરદાન પ્રાપ્ત કરવા છતાં ભગવાન શંકર એ એને પણ મરણને શરણ પહોંચાડ્યો, અને આ રીતે દેવોનાં સામ્રાજ્યને બચાવ્યું. આ બંને ઘટનામાંથી શું તારવી શકાય! દેવ એટલે ધર્મ અને દાનવ એટલે અધર્મ એમ જો ધારીએ તો અધર્મના નાશ માટે અને ધર્મની પુન: સ્થાપના માટે ઈશ્વરએ મદદ કરી હોઈ શકે! પણ સવાલ એ છે કે દેવના માનસમાં શું માત્ર ધર્મની વૃત્તિ જ હતી? કે પછી પોતાના ભોગ વિલાસ સલામત રહે એ ભાવનું પ્રાધાન્ય હતું! અને એ જ રીતે દાનવ તો જેવા વિકૃત દેખાતા હતા એવી જ વિકૃત માનસિકતા ધરાવતા હતાં. એટલે કે અન્યને હેરાન પરેશાન કરવામાં જ એમને આનંદ આવતો હતો, કે પછી બીજા પાસેથી પોતાની પસંદગીની વસ્તુઓ છીનવી લેવી, અને આસાનીથી ન માને તો હિંસા કરીને પણ એ મેળવી લેવું. એટલે આમ જોઈએ તો અહીં કોઈ પ્રપંચ નથી! પણ સુંદર અને આકર્ષક દેહમાં અંદર એવું ઘણું હતું, જે એમને અંદરોઅંદર પણ વિરોધ કરાવતા! જ્યાં સ્વાર્થ હોય ત્યાં પરમાર્થ કેમ હોય એ પ્રશ્ન પણ ક્યારેક મુંજવણ કરાવે! પણ આ જ ઈશ્વરની માયા છે. પણ મોરલની રીતે જોઈએ તો ખરેખર દેવતા સ્વાર્થી કહેવાય! પોતાના જીવ પર આવે ત્યારે કંઈ પણ કરી શકાય એવી માનસિકતા ખરી! જ્યારે આજે દેવ પણ નહીં અને દાનવ પણ નહીં, અથવા બંને શ્રેણી જે પોતાનામાં સમાવીને બેઠો છે, અને એવો માનવ આજે પણ પોતાનું કામ કઢાવવા દેવ બની જાય છે, અને લાગે કે એ રીતે કામ નહીં થાય ત્યારે જબરદસ્તી કરે છે, એટલે કે દાનવ બની જાય છે. એટલે સીધી રીતે વિચારીએ તો પહેલા શત્રુ બહાર હતો, અને આજે અંદર જ છે! ક્યારે એ કયું સ્વરૂપ ધારણ કરી, પહેલાં ખુદને અને પછી અન્યને છેતરશે એ કહી શકાય નહીં? મારી રીતે તો દેવ દાન કરતાં માનવ શ્રેષ્ઠ છે, અને માનવ બની માનવતાનો સૌથી શ્રેષ્ઠ ધર્મ નિભાવી શકીએ, અને સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી અપનાવી આ પૃથ્વીને સ્વર્ગ બનાવી શકીએ, કુદરત કે પ્રકૃતિ જેવા નિર્મળ અને સુંદર છે, એવી જ રીતે એનું જતન કરીને, સર્વ જીવ સૃષ્ટિની સલામતી માટે વિચારીએ.સૌને દિવાળી કે દેવ દિવાળી જેમ સ્નેહથી સત્કારી શકીએ, અને સૌમાં એજ પરમ કૃપાળુ પરમાત્મા કે જેણે વરદાન આપતી વખતે એ દેવ છે કે દાનવ એવો ભેદ ક્યારેય નથી કર્યો, એના દર્શન કરીએ તો ચોક્કસ સમાજમાં શાંતિ સ્થપાય.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:45 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech