આર્કિટેક્ટના ઘરમાંથી રિક્ષાચાલકે ચોર્યા હતાં 61 લાખ
ખડધોરાજીનો રીઢો તસ્કર અગાઉ સાત ગુનામાં દબોચાયો હતો: અનેક ફુટેજ વચ્ચે માત્ર બે સેક્ધડના ફુટેજમાં શકમંદ દેખાતાં જ પીએસઆઇ આર. એચ. ઝાલા ઓળખી ગયા કે-આ તો શીવો!: ટીમ દોડી ગઇ અને સકંજામાં લેતાં જ ગુનો ઉકેલાયો: તમામ રોકડ-દાગીના કબ્જે થયા
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.15
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સોૈરષ્ટ્રભરમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકવાનું ચાલુ કર્યુ છે. બીજી તરફ પોલીસ આવા ગુનાઓના ડિટેક્શન પણ કરી રહી છે. પાંચ દિવસ પહેલા શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાછળ આવેલા ઋષીકેશ પાકમાં રહેતાં આર્કિટેક્ટના ઘરમાં લાખોની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-2 ટીમે ઉકેલી નાખી રીઢા તસ્કરની છાપ ધરાવતાં કાલાવડ પંથકના ગામડામાં રહેતાં રિક્ષાચાલકને દબોચી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ શખ્સને અગાઉ પણ એલસીબીની ટીમે જ સાત ઘરફોડ ચોરીઓમાં પકડ્યો હતો. માત્ર બે સેક્ધડના જ સીસીટીવી ફૂટેજ જોઇને પીએસઆઇ આર. એચ. ઝાલા તેને ઓળખી ગયા હતાં અને ખડધોરાજીથી ઉઠાવી લેતાં ગુનો ઉકેલાઇ ગયો હતો. બીજા ડિટેક્શનમાં વાયરના બંડલોની ચોરી કરનાર ત્રણ તસ્કરણીને પકડી લેવાઇ હતી.
વિગતો પર નજર કરીએ તો ઋષીકેશ પાર્કમાં રહેતાં અને આર્કિટેક્ટ તરીકે કામ કરતાં અક્ષયભાઇ મગનભાઇ મુંગરાના એક રાત માટે બંધ રહેલા ઘરમાં છ લાખ પચ્ચીસ હજારની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં એલસીબી ઝોન-2 ટીમ અને યુનિવર્સિટી પોલીસની ટીમે ઉકેલી રીઢા તસ્કરની છાપ ધરાવતાં કાલાવડના ખડધોરાજી ગામના પિસ્તાલીસ વર્ષના રિક્ષાચાલક શીવા જેરામભાઇ વાજેલીયાને પકડી તેણે ચોરેલા રોકડ-દાગીના કબ્જે કર્યા છે. ઋષિકેશ પાર્કમાં રહેતાં અક્ષયભાઇ મુંગરાની દિકરીની તબીયત સારી ન હોઇ એઇમ્સ હોસ્પિટલમાં તેણીને બતાવવા ગયા ત્યારે ડોક્ટરે દિકરીને દાખલ કરવાનું કહેતાં અક્ષયભાઇ અને તેમના પત્નિ એક રાત હોસ્પિટલમાં રોકાયા હતાં. ગત 11મીની રાતે તેમનું ઘર રેઢુ પડ્યું હોઇ તેમાં ચોરી થઇ હતી. જેમાં રોકડ, દાગીના સહિત સવા છ લાખની માલમત્તા ચોરાઇ ગઇ હતી. ગુનાનો ભેદ ઉકેલવા યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-2 ટીમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અનેક ફૂટેજ ચેક કરાયા તેમાં કોઇ શકમંદ દેખાયો નહોતો. દરમિયાન એક સ્થળે માત્ર બે સેક્ધડના ફૂટેજ મળતાં તેમાં જે શકમંદ દેખાયો તેને પીએસઆઇ આર. એચ. ઝાલા તુરત ઓળખી ગયા હતાં. આ તસ્કર બીજો કોઇ નહિ પણ ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટના પરાસર પાર્ક સહિત છ સ્થળે ચોરીઓ કરવામાં પકડાયેલો ખડધોરાજીનો શીવા વાજેલીયા હોવાનું ઓળખી જતાં ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઉઠાવી લીધો હતો. પકડાયેલા શીવા પાસેથી પોલીસે સોનાના દાગીના જેમાં ચેઇન, કઇડા, વીટી, પેન્ડલ, કાનની બુટી, ચાંદીના નજરીયા, સોનાનું બ્રેસલેટ, ચાંદીની બંગડી, સોનાનું મંગલસુત્ર, જેન્ટસની સોનાની વીંટી તેમજ ચાંદીના અન્ય દાગીના, રોકડા રૂા. 40510, બે મોબાઇલ ફોન, તાળા તોડવા માટેનું પક્કડ સહિત રૂા. 5,18,060નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અગાઉ પણ એલસીબી ઝોન-2 ટીમે આ રીઢા તસ્કરને પકડ્યો હતો
વધુ વિગતો જોઇએ તો રીઢા તસ્કરની છાપ ધરાવતો શીવો વાજેલીયા રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. પણ આર્થિક ભીંસ દૂર કરવા તે ચોરીઓના રવાડે ચડ્યો હતો અને એ પછી રાજકોટમાં ચોરીઓના સાત ગુના આચરી લીધા હતાં. જેમાં ગત ફેબ્રુઆરીમાં તેને એલસીબી ઝોન-2 ટીમે પકડી લીધો હતો. એ પછી જેલમાં ગયો હતો. છુટીને ફરી ચોરીઓના રવાડે ચડ્યો હતો. ચોરીના સાત, દારૂ અને જાહેરનામા ભંગના બે મળી નવ ગુનામાં તે અગાઉ સંડોવાયો હતો. શીવો રિક્ષા લઇ સાંજના સમયે રાજકોટ આવતો હતો અને ગમે ત્યાં રોકાઇ મોડી રાતે રેકી કરી જે મકાન બંધ મળે તેમાં ત્રાટકતો હતો. આ વખતે તે ખાનગી વાહન મારફત રાજકોટ આવ્યો હતો અને રાતે ઋષીકેશ પાર્કમાં બંધ મકાનમાં ત્રાટકી ચોરી કરી કાલાવડ રોડ પરથી કોઇ વાહન મારફત પોતાના ગામ જતો રહ્યો હતો.
આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ઇન્ચાર્જ ડીસીપી પૂજા યાદવ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં આ કામગીરી એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા તથા યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ ડી. બી. કારેથા, એએસઆઇ જે. એન. ખટાણા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાની ટીમોએ જહેમત ઉઠાવી હતી અને સફળતા મળી હતી.
ચોરીના અન્ય એક ડિટેક્શનની વિગતો જોઇએ તો ચોરીના અન્ય એક ડિટેક્શનની વિગતો જોઇએ તો ટાગોર રોડ પર એલઆઇસી સોસાયટી-2માં નવા મકાનમાં વાયરીંગનું કામ ચાલતુ હોઇ તેમાં ઇલઇેક્ટ્રીક વાયરના બંડલો બાથરૂમમાં રખાયા હોઇ તાળુ તોડી રૂપિયા એંસી હજારના વાયરના આ બંડલો કોઇ ચોરી ગયું હતું. એ-ડિવીઝન પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ મહિલાને પકડી લઇ અઢાર બંડલ જેટલો વાયર કબ્જે કર્યો છે. ચોરીનો ગુનો દાખલ થતાં ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતાં. દરમિયાન હેડકોન્સ. ધારાભાઇ ગઢવી અને કોન્સ. ભગીરથસિંહ ઝાલાએ બાતમી મળતાં શાસ્ત્રીમેદાન પાસેથી ત્રણ મહિલાને વાયરોના બંડલ સાથે પકડી લીધી હતી. પ્રાથમિક પુછતાછમાં તેણીએ રેઢા મળ્યાનું રટણ કર્યુ હતું. વિશેષ પુછતાછ થતાં અને ફુટેજ ચેક કરવામાં આવતાં આ ત્રણેયે એલઆઇસી સોસાયટીના નવા બની રહેલા મકાનમાંથી જ આ બંડલો ચોર્યાનું ખુલતાં તેને પકડી લેવાઇ હતી. જેન પકડવામાં આવી છે તે ત્રણેય તસ્કરણીના નામ લક્ષ્મી વિજય સોલંકી (ઉ.25-રહે. રામનાથપરા-1), સોનલ રાયધન દેવીપૂજક (ઉ.28-રહે. કુબલીયાપરા-5) અને પૂજા રાજુ ટોપલીયા (ઉ.28-રહે. કુબલીયાપરા-5)ની ધરપકડ કરી વાયરોના બંડલ કબ્જે કર્યા હતાં. ઝડપાયેલી પૈકી લક્ષ્મી અને સોનલ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં પકડાઇ હતી. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ એ-ડિવીઝન ઇન્ચાર્જ જે. આર. દેસાઇ, પ્રો.પીઆઇ સી. વાય. મહાલે, પીએસઆઇ એસ. એમ. રાણા, બી.આર. સાવલીયા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, વિશ્ર્વાબેન દહીયા, નીતાબેન ડાંગર, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, ધારાભાઇ ગઢવી, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ ચોૈહાણ, યોગેશભાઇ મકવાણા, ધવલ જીલડીયા અને અનિરૂધ્ધસિંહ ચાવડાએ આ સફળતા મેળવી હતી.
