સ્માર્ટ સાથે શ્રેષ્ઠ શોભે
SMART શબ્દનો એક અર્થ ચબરાક પણ થાય છે. ચબરાક હોવું સારી બાબત છે. પણ આ શબ્દથી શ્રેષ્ઠતાના ગુણો ઊભરતા નથી. એટલે કે, ચબરાકપણું આદર્શ જ હોય તેની ગેરન્ટી નથી. આપણે શહેરો સ્માર્ટ બનાવ્યા, પણ આદર્શપણાનો અભાવ રહ્યો છે.
રાજકોટ મહાપાલિકાએ રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી વિકસાવ્યું, જેને અટલ સ્માર્ટ સિટી નામકરણ કરવા દરખાસ્ત થઇ છે. આ પ્રોજેક્ટ અને પ્રક્રિયા સકારાત્મક છે. સમગ્ર પ્રક્રિયા વિશેષ દ્રષ્ટીકોણથી થવી જરૂરી છે. વિકાસ કાર્ય ધમધોકાર થાય છે. પણ, આદર્શપણાની અછત રહે છે. અટલ સિટી આદર્શ-શ્રેષ્ઠના માપદંડથી નિર્માણ થવું જોઇએ. આ માટે લોલમલોલ પરંપરા દૂર રાખવી પડે.
થોડો ભુતકાળ યાદ કરો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડનું નિર્માણ થયું ત્યારે ભરપુર સુવિધાની વાતો થઇ હતી. ટ્રાફિક વ્યવસ્થા, સાઇકલ ટ્રેક, ફૂટ ટ્રેક વગેરે વાતો થઇ હતી. આ બધું બન્યું પણ ખરું. પરંતું, ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિ છે? 150 ફૂટ રિંગ રોડ વાહનચાલકો માટે 40 ફૂટ પણ ઉપયોગમાં આવતો નથી. સાઇકલ ટ્રેક-ફૂટ ટ્રેક વગેરે દબાણકારો માટે જ બનાવ્યા હોય તેવી દશા છે.
150 ફૂટ રિંગ રોડ લોકાર્પણ થયું ત્યારે પ્રવચનોમાં જે વાતો હતી અને વર્તમાન સ્થિતિ છે તે બંને વચ્ચે મોટો તફાવત છે. હાલ નવા રિંગ રોડ અંગે કેવા સપના દેખાડવામાં આવે છે? જાણે રાજકોટનું ગૌરવ બનંતુ હોય તેવો માહોલ બનાવાયો છે, રોડ બની ગયા બાદ તેની દશા 150 ફુટ રીંગ રોડ જેવી બની જશે.
આ સ્થિતિને લોલમલોલ પરંપરા કહેવાય. અટલ સિટી નિર્માણ થાય છે. ત્યાં લોલમલોલ પરંપરા દૂર રહે અને આદર્શ સિટી બને તેવો પ્રયાસ કરવો જોઈએ. સ્માર્ટ સિટી નહી બને તો ચાલશે, આદર્શ સિટી બનવું જોઈએ.
દરેક નિર્માણ વિશેષ સુવિધા માટે થતું હોય છે. આ ઉદ્દેશ જળવાઈ રહેવો જોઈએ. તાજેતરમાં સમાચાર આવ્યા કે રાજકોટમાં સત્તાવાર પાર્કિંગ સુવિધા વધી, પણ પાર્કિંગના ચાર્જમાં વધારો કરાયા છે. નવા પાર્કિંગ બનવા જ જોઈએ, પણ તે 150 ફુટ રીંગ રોડના અનેક વિસ્તારો ગેરકાયદે કાયમી પાર્કિંગ જેવા બની ગયા છે, તેનું શું ? નાણાવટી ચોક પાસે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે જાહેર માર્ગો પર કાયમી પાર્કિંગ બની ગયા છે. ટ્રાફીક માટે નડતર રૂપ છે. પાર્કિંગ કરનારા દાદગીરી કરે છે, પણ તંત્ર તેની સામે કોઈ પગલાં લેતું નથી.
અટલ સમાર્ટ સિટીમાં વાતો મોટી મોટી થાય છે. વિશાળ માર્ગો બની રહ્યાં છે. આ બધું સાચું, પણ જે નિર્માણ જે સુવિધા માટે થયું છે તે ઉદ્દેશ સિધ્ધ થાય તેની ગેરન્ટી છે? અટલ સરોવર પાસે તાજેતરમાં પાંચેક બબુચકોએ રિલ્સ બનાવવા માટે ધમાલ કરી હતી. અત્યારથી ઘણા દબાણકારો ગોઠવાઈ રહ્યાં છે. આ લોલમલોલ પરંપરા જ છે. અટલ સ્માર્ટ સિટીને આદર્શ સિટી બનાવો તો પરાક્રમ કહેવાય.
