હોસ્પિટલો રજીસ્ટ્રેશન ન કરાવે તો પ લાખ દંડ
આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો આકરા દંડનો નિર્ણય
રાજકોટ મિરર, અમદાવાદ, તા.1
ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલા હોસ્પિટલના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરવામાં હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, તા. 12મી માર્ચ, 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સે આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટરની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે.
આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણ કરાવવું પડશે. અત્યાર સુધીમાં રાજ્યની 5534 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં 2328 સરકારી, 3015 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં 4018 એલોપેથી, 185 આયુષ હોસ્પ્ટિલ્સ, 437 હોમિયોપેથી , 77 ડેન્ટલ ક્લિનીક, 108 ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે. 50 થી ઓછી પથારી ધરાવતી 4601 અને 50 થી વધુ પથારી ધરાવતી 322 હોસ્પિટલ્સે અત્યાર સુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
આ એક્ટ હેઠળ ક્લિનિક, ક્ધસલ્ટિંગ રૂમ, પોલીક્લિનિક ઉપરાંત 15 બેડ થી લઇ 100 થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ, અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ, કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓને રૂ. 10 હજાર થી 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
