આગામી દિવસોમાં અન્ય જગ્યાઓ કે જેની યાદી તૈયાર કરાય છે તેના પર ફરશે બુલડોઝર : ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં હવે થશે ડિમોલીશન
રાજકોટ, તા..10
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા સેન્ટૃલ ઝોન વિસ્તારમા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું અને 70.00 ચો.મી.ની અંદાજીત રૂ.31.00 લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. એડી.સીટી એન્જીનીયર એ.એ.રાવલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રસ્તા પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 70.00 ચો.મી.ની અંદાજીત રૂ.31.00 લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ ઝોન 3 વોર્ડ નં.3 રેલનગરમા ટી.પી.સ્કીમ નં.23(રાજકોટ), અનામત પ્લોટ નં. 18/એ વાણીજ્યહેતુ માટે હતો તેના પર મંદિરનું દબાણ થઈ ગયું જોવા મળ્યું હતું જે દૂર કરવામાં આવ્યું છે. બીજી તરફ સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર 2 ટીપી સ્કીમ નંબર 9 ના અનામત પ્લોટ નંબર 6 કે જે ડ્રેનેજ પંપીંગ માટે જગ્યા અનામત રાખવામાં આવી હતી તે જગ્યા પર રહેણાંક મકાનનું દબાણ જોવા મળતા તે દબાણને પણ દૂર કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ ઝોન હેઠળ આવેલા વોર્ડ નંબર ત્રણમાં માધાપરામાં ટીપી સ્કીમ નંબર 38/1 હેઠળ દરગાહમાં આવેલા રૂમ તથા પાણીના ટાંકા નું દબાણ દૂર કરવામાં આવ્યું. આજ વિસ્તારમાં ચાર રહેણાંક મકાનોનું દબાણ પણ જોવા મળતા વિભાગના અધિકારીઓ દ્વારા તે દબાણને દૂર કરવામાં આવ્યું છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા,ફાયર શાખા તથારોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.
હાલ મહાનગરપાલિકા માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ જ છે કે મહાનગરપાલિકા ની હદ હેઠળ ઘણા ખરા એવા દબાણો જોવા મળી રહ્યા છે કે જેની યાદી મનપા દ્વારા કરવામાં તો આવેલી છે પરંતુ હજુ સુધી તેનું ડિમોલિશન કરવામાં આવ્યું નથી હાલ બીજી સૌથી મોટી વાત તો એ છે કે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની તમામ મિલકતો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ ઝોન ની સાથોસાથ વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં પણ ઘણી ખરીદી મિલકતો રહેલી છે કે જેના પર ગેરકાયદે દબાણો થયા હોય અને મન પાડી જગ્યામાં જ દબાણો ખડકી દેવામાં આવ્યા હોય ત્યારે એ તમામ મિલકતો માટેની યાદી હાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે જેની અમલવારી આવગામી દિવસોમાં કરવામાં આવે તેવું હાલ સૂત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ હાલજે મિલકતોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જો એક સાથે જ ડિમોલિશન હાથ ધરવામાં આવશે તો રાજકોટ શહેરમાં ઉહાપો પણ મચી શકે છે આ તમામ બાબતોને ધ્યાને લઈ હાલ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દિવાળી બાદ જ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ કોઈના કોઈ કારણોસર ડિમોલિશનની કામગીરી માં ઘણા પ્રશ્નો અને અડચણ ઊભી થઈ ત્યારે હવે જે દિશામાં કામગીરી થઈ રહી છે તે જોતા એવા સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં રાજકોટ શહેરમાં જે પણ ગેરકાયદે દબાણ આવશે તેને તાકીદે દૂર કરવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
