ઠેકઠેકાણે આવાસ ક્વાર્ટર, અવાવરૂ સ્થળોએ ક્રાઇમ બ્રાંચ, એલસીબી, ડીવીઝનની ટીમોએ ત્રાટકી તપાસ કરી
ત્રેવીસ જેટલા શકમંદોને ચકાસવામાં આવ્યા: અઢાર સ્થળે નીલ રેઇડ થઇ : હવે ગમે ત્યારે પોલીસ ત્રાટકશે
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા. 12
શહેરમાં સરાજાહેર લુખ્ખાગીરીની ઘટનાઓ વધી ગઇ હોઇ અને બીજી ગુનાખોરી પણ વધી હોવાથી અસામાજીકોને કાબુમાં લેવા પોલીસ મેદાને આવી છે. તે અંતર્ગત પાસા, ઓચીંતા ચેકીંગ સહિતની કાર્યવાહી શરૂ થઇ છે. રાત્રીના અચાનક જ પોલીસની ટીમો કોઇપણ સ્થળે ચેકીંગ કરવા પહોંચી રહી છે. અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલાઓને ઘરે જઇને ચેક કરવાનું શરૂ થયું છે. તે અંતર્ગત ગત રાતે ઓચીંતા અલગ અલગ સ્થળોએ ટીમો ત્રાટકી હતી અને ચેકીંગ કર્યુ હતું. જેમાં ત્રેવીસ શકંમંદોને ચકાસ્યા હતાં અને અઢાર નીલ રેઇડ થઇ હતી.
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અસામાજીક તત્વોનું દૂષણ દૂર થાય તે માટે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાએ સુચના આપતાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચ, માલવીયાનગર, બી-ડિવીઝન, પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-1, ઝોન-2ની ટીમોએ પોતાના વિસ્તારોમાં આવેલા આવાસ ક્વાર્ટર, અવાવરૂ સ્થળો પર ખાસ ચેકીંગ કર્યુ હતું. જેમાં ગોકુલધામ ક્વાર્ટર, સ્માર્ટ ઘર, રાજ્યગુરૂ ટાઉનશીપ, પોપટપરા, પ્રેમમંદિર પાછળ તેમજ અવાવરૂ સ્થળોએ ચેકીંગ કરાયું હતું. 18 નીલ રેઇડ કરવામાં આવી હતી. જ્યારે 23 શકમંદોને તપાસવામાં આવ્યા હતાં. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ ઇન્સ્પકટર એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એલસીબી ઝોન-1, ઝોન-2નો સ્ટાફ પણ જોડાયો હતો.
બીજી તરફ ગુનેગારો સામે પાસાના શસ્ત્ર ઉગામવાનું યથાવત રખાયું છે. વધુ એક છાપેલા કાટલાને પાસા હેઠળ જેલ ભેગો કરીદેવાયો છે. મારામારીના ગુનાઓમાં સામેલ વધુ એક શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. હસનવાડી-2 પીપળીયા હોલ પાસે રહેતાં રવિ ઉર્ફ ભગત કિશોરભાઇ ચાવડીયાને સુરત જેલમાં ધકેલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. ચોવીસ વર્ષના રવિ ઉર્ફભગત વિરૂધ્ધ ભક્તિનગર પોલીસમાં મારામારી સહિતના 6 ગુના નોંધાયા હતાં.
જેમાં ત્રિશુલ ચોકમાં ખુની હુમલો સહિતના ગુનાઓ સામેલ છે. જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવના માર્ગદર્શનમાં પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે મંજુર થઇ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, કોન્સ. અરજણભાઇ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા અને હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયા તથા પીસીબીના રાજુભાઇ દહેકવાલ તથા ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી હતી. ગઇકાલે પણ એક ભાદા સોલંકી નામના રીઢા ગુનેગારને પાસા તળે જેલમાં ધકેલાયો હતો.
