કોઠારીયામાં આઠ વર્ષ પહેલા હત્યા થઇ તેમાં તાજના સાક્ષી બનેલા યુવાનના ભાઇની કારને કોઠારીયા રોડ પર આંતરી લેવાઇ
ત્રણ મોટરસાઇકલમાં ત્રણ-ત્રણ સવારીમાં આવેલા રાજો, કાંચો, બકાલી સહિત નવ જણાએ કારના કાચ ફોડી નાંખ્યા અને સાક્ષીના ભાઇ તથા તેના બે મિત્રોને છરી ઝીંકી: હવે પછી મારા કેસમાં વચ્ચે પડતો નહિ કરી ખૂનની ધમકી દીધી: ભક્તિનગર પોલીસે દાખલ કરી એફઆઇઆર
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 19
શાંત શહેર રાજકોટમાં ગમે ત્યારે રીઢા ગુનેગારો કાયદાની ઐસી તૈસી કરી ગુના આચરી લેતાં હોય છે. વધુ એક આવો ડખ્ખો સામે આવ્યો છે જેમાં આઠ વર્ષ પહેલા કોઠારીયામાં પોલીસ કર્મચારીની હત્યા કરનારા પેંડાના સાગરીત તરીકે ઓળખાતા રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજા નામના શખ્સે પોતાના બીજા આઠ સાગ્રીતો સાથે ટોળકી રચી ત્રણ ત્રણ સવારીમાં ત્રણ ટુવ્હીલર પર આવી કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે કોઠારીયા ગામના રમેશભાઇ નામના યુવાનની કાર આંતરી તેમાં કાચની બોટલો અને પથ્થરોથી તોડફોડ કરી રમેશભાઇ અને તેની સાથેના બે મિત્રોને છરીથી ઘાયલ કરી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. આઠ વર્ષ પહેલા રાજાએ હત્યા કરી તેમાં રમેશભાઇના નાના ભાઇએ તાજના સાક્ષી તરીકે કોર્ટમાં રાજા વિરૂધ્ધ જુબાની આપી હોઇ તેમાં સમાધાન ન કર્યુ હોઇ આ કારણે ખાર રાખી ટોળકી રચી હુમલો કર્યાની વિગતો સામે આવી હતી.
આ ઘટના પર નજર કરીએ તો ભક્તિનગર પોલીસે કોઠારીયા ગામ ગોકુલ પાર્ક-3 માતુશ્રી વિદ્યામંદિર સ્કૂલવાળી શેરીમાં દેવાંગી કૃપા ખાતે રહેતાં અને છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતાં બેતાલીસ વર્ષના રમેશભાઇ દેવરાજભાઇ ગજેરાની ફરિયાદ પરથી અગાઉ પોલીસમેનની હત્યામાં સામેલ રાજો જાડેજા તેમજ તાજેતરમાં જ હત્યાની કોશિષના ગુનામાં જેલમાંથી છુટેલા ચિરાગ બકાલી, દિનેશ કાંચો તથા સાથેના ચંદ્રેશ ઉર્ફ ચંદો ગોહેલ, મિલન બાવાજી,પિયુષ સોલંકી, મનીયો મિસ્ત્રી, છોટુ અને અજાણ્યા વિરૂધ્ધ રાયોટીગ, હુમલો, તોડફોડની એફઆઇઆર દાખલ કરી છે. રમેશભાઇ ગજેરાએ જણાવ્યું છે કે હું વીસ વર્ષથી પરિવાર સાથે ગોકુલ પાર્કમાં રહુ છું. મારા પિતા હયાત નથી. 18મીએ બુધવારે રાતે દસેક વાગ્યે હું અને મારા મિત્ર દિવ્યેશ ઠુમ્મર, દેવ ટાંક અને દેવાંગ પટેલ તેમજ તુષાર વાઘેલા બધા રાતે દિવ્યેશની એક્સયુવી જીજે03એફડી-2686 લઇને ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી બસ સ્ટેશન સામે આવેલી ખોડીયાર ચાની હોટલે ચા પીવા રવાના થયા હતાં.
તે વખતે કાર દિવ્યેશ ચલાવતો હતોં. હું ક્લીનર સાઇડમાં બેઠો હતો અને મારી પાછળની સીટમાં દેવ તથા દેવાગ અને તુષાર બેઠા હતાં. મારે ઘરે જવાનું મોડુ થતું હોઇ જેથી મેં ચા પીવાની ના પાડી હતી. જેથી મારી સાથેના ચારેય મિત્રોએ પણ ચા પીવાનું માંડી વાળ્યું હતું અને અમે ઘર તરફ જવા રવાના થયા હતાં. દરમયાન અમે કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ સ્ટેશનથી આગળ કનૈયા ડેરી પાસે પહોંચ્યા ત્યારે મેં દૂધ લેવા માટે ગાડી ધીમી પાડવાનું કહ્યું હતું. આ વખતે પાછળથી ત્રણ ટુવ્હીલર આવીને અમારી ગાડી પાસે ઉભા રહી ગયા હતાં. જેમાં એક્સેસ પર રાજો જાડેજા અને ચિરાગ ઉર્ફ બકાલી તથા અજાણ્યો શખ્સ બેઠા હતાં. બીજા વાહનમાં ચંદ્રેશ ઉર્ફ ચંદો, મિલન અને દિનેશ કાંચો હતાં.
આ ઉપરાંત ત્રીજા મોટર સાઇકલમાં પિયુષ અને મનીયો મિસ્ત્રી તથા છોટુ બેઠા હતાં. દિવ્યેશે ડ્રાઇવર સાઇડનો કાચ થોડો ખોલતાં રાજા જાડેજાએ તેને-તુ ગાડી ઉભી રાખ અને બહાર નીકળ અને રમેશને નીચે ઉતારી દે, તેની સાથે માથાકુટ કરવી છે તેમ કહેતાં દિવ્યેશે ના પાડી ગાડી ધીમે ધીમે હંકારવાનું ચાલુ કરી દેતાં રાજાએ કાચની બોટલ ફટકારી ડ્રાઇવર સાઇડનો કાચ ફોડી નાખ્યો હતો અને હાથ નાંખી ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ ક્લીનર સાઇડમાં હું બેઠો હોઇ એ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક હોઇ ન ખુલતાં તેણે પથ્થર લઇ ગાડી પર છુટા ઘા મારી બધા કાચ ફોડી નાખ્યા હતાં. તેમજ બધાએ ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું.
ત્યારબાદ અમે મિત્રો કારમાંથી ઉતરતા જ દિનેશ કાંચા, બકાલી, રાજાએ છરી કાઢી હુમલો કર્યો હતો. જેમાં કાંચાએ મને ડાબા ખભે અને જમણા કાને ઘા મારી દીધા હતાં. દિવ્યેશને ચિરાગ બકાલીએ છરકા કરી દીધા હતાં. દેવને રાજા જાડેજાએ જમણા હાથના પોંચા પર છરી મારી દીધી હતી. મારામારીને કારણે દેકારો થતાં માણસો ભેગા થઇ ગયા હતાં. આ કારણે આ નવેય જણા ભાગવા માંડ્યા હતાં. જતાં જતાં રાજા જાડેજાએ ધકમકી આપી હતી કે-હવે આગળ મારા કોઇ કેસમા નડતો નહિ, નહિતર મારી નાંખીશ. મને લોહી નીકળતું હોઇ 108 બોલાવી હતી. તેમાં બેસી હું સારવાર માટે ગયો હતો. દિવ્યેશ અને દેવને પણ ઇજા હોઇ તે પણ સાથે આવ્યા હોઇ તેને પણ પ્રાથમિક સારવાર, ટાંકા લીધા હતાં. અમારે દાખલ રહેવુ ન હોઇ રજા લઇ ફરિયાદ કરવા પહોંચ્યા હતાં.
આ ડખ્ખાનું કારણ એવુ છે કે આઠેક વર્ષ પહેલા રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજાએ પોલીસ કર્મચારી ભરતભાઇ ગઢવીનું મર્ડર કર્યુ હતું. તેમાં મારો નાનો ભાઇ જીજ્ઞેશ ગજેરા નજરે જોનાર તાજનો સાક્ષી હોઇ તેણે રાજા વિરૂધ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. તેનો ખાર રાખી અગાઉ મને રાજાએ સમાધાન માટે ધમકીઓ આપી હતી. પણ મેં અને મારા ભાઇએ સમાધાનની ના પાડી હતી. જેનો ખાર રાખી રાજાએ ગેરકાયદે મંડળી રચી હથીયારો સાથે આવી અમારી કારના કાચ બોટલો, પથ્થરથી ફોડી નાંખી નુકસાન કરી ગાળો દઇ ધમકી આપી મને અને સાથેના બે મિત્રોને ઇજાઓ કરી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. જી. ગોહિલ, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી ટોળકીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. રાજો જાડેજા સહિતના અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. જેમાં કાંચો અને બકાલી તાજેતરમાં જ હત્યાની કોશિષના ગુનામાંથી જેલમાંથી બહાર આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું. શક્તિ ઉર્ફ પેંડાના સાગ્રીત તરીકે રાજો જાડેજા ઓળખ ધરાવે છે. પેંડાનું અગાઉ એન્કાઉન્ટર થયું હતું.
