રાજકોટમાં પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 ઉપર હુમલો કર્યાના સીસી ફૂટેજ આવ્યા સામે
કારમાં તોડફોડ કરી છરીના ઘા ઝીંક્યા : હત્યા કેસના આરોપી સહિત 9 શખ્સો સામે ગુન્હો
રાજકોટ મિરર, તા.22
રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે પોલીસ કર્મચારીની હત્યાના બનાવના સાક્ષીના ભાઈ ઉપર હત્યાના આરોપી સહિતના 9 શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. તેમજ સાક્ષીના બે મિત્રોને પણ છરીના ઘા ઝીંકી દેવાતા આ મામલે ભક્તીનગર પોલીસ મથકમાં 9 શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ બનાવમાં સીસી ફૂટેજ સામે આવતા પોલીસે આતંક મચાવનાર ટોળકીને ઝેર કરવા ઠેર ઠેર તપાસ આદરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા ગામ ગોકુલપાર્ક શેરી નં. 3માં માતૃશ્રી વિદ્યામંદિર સ્કૂલ વાળીશેરીમાં દેવાંગી કૃપા નામના મકાનમાં રહેતા રમેશ દેવરાજ ગજેરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનીષ મીસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
રાજકોટમાં 2016ના વર્ષમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં નામચીન શક્તિ ઉર્ફે પેંડો તથા જેની હત્યા થઈ તે ઋષિરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ હત્યા કેસમાં રમેશ દેવરાજભાઈ ગજેરાના ભાઈ જીજ્ઞેશ કે જેણે હત્યા નજરે જોઈ હોય અને તે તાજનો સાક્ષી હોય કોર્ટમાં જિજ્ઞેશે જુબાની આપી હોય આ હત્યા કેસનો આરોપી શક્તિ ઉર્ફે પેંડા ગેંગનો રાજા જાડેજાએ જે બાબતનો ખાર રાખી તેના સાગરીતો સાથે મળીને 18ની રાત્રે 11 વાગ્યાની આસપાસ રમેશ ઉપર પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરીને આ ટોળકીએ હુમલો કર્યો હતો.
આ બનાવ વખતે રમેશનો મિત્ર દિવ્યેશ ઠુંમર અને દેવ ટાંક પણ સાથે હોય તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાજા જાડેજાએ રમેશને છરીનો ઘા ઝીંક્યો હતો તેમજ ચીરાગ બકાલીએ દિવ્યેશને છરી ઝીંકી દીધી હતી. વચ્ચે પડેલા દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરી મારી દેતા ત્રણેય મિત્રોને ઈજા પહોંચી હતી. તેમજ આ ટોળકીએ સોડા-બોટલ અને પથ્થરો વડે ઘા કરીને ગાડીના કાંચ તોડી નાખી તોડફોડ પણ કરી હતી. સમગ્ર બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડીગયો હતો. અને આ મામલે રમેેશ ગજેરાની ફરિયાદના આધારે નામચીન શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, નામચીન શક્તિ ઉર્ફે પેંડાનું એનકાઉન્ટર થયું હોય જ્યારે આ હત્યા કેસના ઋષિરાજસિહ જાડેજાની પણ હત્યા થઈ હતી.
2016માં પોલીસમેન ભરત નેચડા હત્યા નિપજાવાઈ હતી
અહી નોંધનીય છે કે, 16 માર્ચ 2016ના રોજ સહકાર સોસાયટીના ચોકમાં મોડી રાત્રીના સમયે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાએ ત્રણ મોટરસાઈકલો ઉપર છાકટા થઈને મોટે મોટેથી રાડો પાડીને આવતા આરોપીઓને ચોકમાં રોકેલ હતા. આ આરોપીઓ ભાગી ન જાય તે માટે શક્તિ ઉર્ફે પેંડો અને તેની સાથે બેઠેલ બાળ આરોપીના મોટરસાઈકલની ચાવી આ પોલીસ કોન્સ્ટેબલે લઈ લીધેલ હતી. આથી ગુસ્સે થઈને બાળ આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી કોન્સ્ટેબલ ભરતભાઈના કાનની નીચે મારેલ. આ ઈજા થતા કોન્સ્ટેબલ ભરતભાઈ ત્યાંથી ભાગવા ગયેલ ત્યારે તમામ આરોપી ભરતભાઈની પાછળ દોડી તેને પછાડી દીધેલ અને છરીના બીજા બે ઘા ભરતભાઈને મારેલ તથા બીજા ચાર આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ભરતભાઈનુ મોત નિપજાવેલ હતું.
આરોપીને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ
રાજકોટમાં કુખ્યાત પેંડાના સાગરીતો દ્વારા હુમલાનો ભોગ બનનાર મીડિયા સામે આવ્યા હતા. જેમાં સાક્ષી તરીકે જીજ્ઞેશ ગજેરાનાં પરિવારજને મીડિયાને વ્યથા વર્ણવી હતી. જેમાં જીજ્ઞેશનાં ભાઈ રમેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અન્ય શખ્સો દ્વારા હુમલો કરી કહેવામાં આવ્યું છે કે, આ કેસમાંથી નીકળી જજો નહિતર જાનથી મારી નાખશું. તેમજ આરોપીને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યુ કે, જે શખ્સ પોલીસની હત્યાનો આરોપી છે તેને પોલીસ છાવરી રહી છે.
