શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટે એક મહિનાથી જુદાજુદા રંગારંગ કાર્યક્રમોની તૈયારીઓમાં પડેલા મોટાભાગના આયોજકોને પોલીસ કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું હતું. મતલબ કે મંજુરી વગરના તમામ આયોજનો પર પોલીસે ઘસી જઈને કાર્યક્રમો બંધ કરાવતા કભી ખુશી, કભી ગમ જેવો માહોલ સર્જાયો હોવાનું યુવાધને રોષભેર જણાવ્યું હતું. પ્રતિ વર્ષ રાજકોટમાં અનેક આયોજનો થાય છે. ત્યારે નીતિ-નિયમો મુજબના આયોજનો પોતપોતાના કાર્યક્રમો પાર પાડે છે. પણ 2024ના વર્ષમાં શહેરમાં બનેલા ગમખ્વાર અગ્નિકાંડથી પોલીસ સહિતના તમામ સરકારી તંત્રો હરકતમાં આવી ગયા છે. અને કોઈ પણ આયોજન માટેની પુરતી જવાબદારી, બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબનાં જ વિવિધ મંજુરી સાથેના આયોજનો ચાલી શકે તેવી સ્થિતિ ઉભી થતા આયોજકો મુંજાયા હતા. આ વર્ષે, આજે નવા વર્ષને વધાવવા થનગનતા યુવાધનનો મૂડ પોલીસે મારી નાખ્યો હોવાના આક્ષેપો થયા હતા. કારણકે રાત્રીના શહેરની તમામ પોલીસ 31 મી ડીસેમ્બરના આયોજન સ્થળે પહોચીને મંજુરી વગરના આયોજનો પર ટાઢું પાણી ફેરવી નાખ્યું હતું. આયોજકો સહિતના રસિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. જે આયોજનો ચાલુ રહ્યા તે સ્થળે પણ દેશી કહેવત “કાગડા ઉડ્યા” તેવી સાબિત થઇ હોવાનું તસવીરોમાં જોવા મળ્યું હતું.
31 ફર્સ્ટની ઉજવણીમાં યુવાધન ગાંડું થાય અને કોઈ અવળા ધંધા આદરે તે માટે શહેરમાં 1500 થી વધુ પોલીસમેન દ્વારા ઠેર ઠેર બ્રેથ એનેલાઇઝરની તપાસીને કડક કાર્યવાહી કરાઈ હતી તે તસ્વીરમાં જોવા મળે છે.
