દસ્તાવેજોની કામગીરી ફરી ટલ્લે ચડી : અરજદારોને ભોગવી પડે છે હાલાકી
રાજકોટ, તા. 21.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હાલ દરેક સરકારી કામગીરી ઓનલાઇન કરવા માટે મહેનત કરી રહી છે અને ઘણા ખરા વિભાગોમાં કામગીરી હવે પૂર્ણત: ઓનલાઇન થઈ ચૂકી છે પરંતુ ઘણા ખરા કિસ્સામાં જે ઝડપભેર કામગીરી થવી જોઈએ તે થતી નથી કારણ કે સર્વર અને સતત ટેકનિકલ કારણો સામે આવતા કામગીરી માં વિઘ્ન આવી રહ્યા છે અને અંતે અરજદારોએ હેરાન થવું પડે છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી દસ્તાવેજ નોંધણી કચેરી એટલે કે રજીસ્ટર ઓફિસમાં વેબસાઈટ ઠપ્પ થઈ ગઈ હોવાનું એક વખત નહીં અનેક વખત સામે આવ્યું છે. ત્યારે ફરી એક વખત ગઈકાલે રાજકોટની દસ્તાવેજ નોંધણી કચેરી ખાતે વેબસાઈટમાં કોઈ ટેકનીકલ ખામી સર્જાઇ હતી જેના કારણે અરજદારોમાં ફરિયાદો ઉઠી અને દસ્તાવેજની કામગીરી પણ ખોરંબે ચડી હતી.
રાજકોટ ખાતે આવેલી દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં ફરી એકવાર વેબસાઈટ બંધ થવાની ફરિયાદો ઉઠી છે. દસ્તાવેજ નોંધણી માટેની સાઈબર ટ્રેઝરી વેબસાઈટ ઠપ થઈ જતા વકીલોમાં દેકારો બોલી ગયો છે.નોંધણી માટે મુકેલા દસ્તાવેજોની કામગીરી અટકી પડી છે, રેવન્યુ બારના એડવોકેટ વિજયભાઈ તોગડીયા દ્વારા ચીફ સેક્રેટરી અને સાઈબર ટ્રેઝરી ઓફિસને જાણ કરાઈ છે.જાણવા મળ્યાં મુજબ, છેલ્લા બે દિવસથી મિલકતના દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ ગરવીમાં પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઈટ સાઈબર ટ્રેઝરી બંધ હોય, મિલકતના દસ્તાવેજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે.
જે લોકોને નિશ્ચિત સમયમાં જ રજીસ્ટ્રેશન ફી ભરી અપોઈન્ટમેન્ટ લઈ દસ્તાવેજ કરવાનો હોય તે તમામ સામાન્ય પ્રજાને, વકીલોને, બિલ્ડરોને તેમજ મિલકતના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડી રહી છે.મિલકત રજીસ્ટ્રેશનની તમામ કાર્યવાહી અટકી ગઈ હોય, તેની જાણ થતા આજરોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડીયાએ આ અંગે ચીફ સેક્રેટરી અને સાઈબર ટ્રેઝરી ઓફિસને આ સંબંધિત જાણ કરી અને ત્વરિત કાર્યવાહી કરવા જણાવેલ છે.
