સ્કૂટર પરથી પડી ગયેલા બાળકને હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર કરાઇ, મેડીક્લેઇમનું પુછાયા બાદ ચોવીસ કલાક માટે દાખલ કરાયો અને પકડાવી દેવાયું અધધધ બીલ

વોકહાર્ટ ફરી વિવાદ ચકડોળે: આઠ ટાંકાની ફી દોઢ લાખ!

રાજકોટ: નામ બડે ઓૈર દર્શન છોટેની કહેવત વધુ એક વખત શહેરની નામના ધરાવતી હોસ્પિટલો પૈકીની એક એવી વોકહાર્ટ હોસ્પિટલ માટે લાગુ પડી રહી છે. આ હોસ્પિટલ વધુ એક વખત દર્દી પાસેથી કમ્મરતોડ ફી વસુલવાને કારણે વિવાદના વંટોળે ચડી છે. સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામનારા નવ વર્ષના બાળકને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં તેને ડોક્ટરે દાખલ કરી દઇ સાત ટાંકા લઇ લીધા હતાં. જો કે આ બાળકના પરિવારજનો ત્યારે ચકરાવે ચડી ગયા હતાં જ્યારે તેમને સાત ટાંકા લેવાનું બીલ અધધધધ એક લાખ અને સાંઇઠ હજારનું ધાબડી દેવાયું હતું! આ પરિવારે મેડિક્લેઇમ છે તેવુ કહ્યા બાદ ચોવીસ કલાક માટે દાખલ કરાયો હતો. આ કિસ્સાએ સમગ્ર તબિબી આલમમાં ચકચાર જગાવી છે.
વિગતો પર નજર કરીએ તો અકસ્માતમાં ઇજા પામનાર અને જેની વોકહાર્ટમાં સારવાર કરાવાઇ તે નવ વર્ષના બાળકના દાદા જગદીશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે મારો પોૈત્ર ચોથી તારીખે સ્કૂટર પરથી પડી ગયો હતો. ઓચીંતી બ્રેક લાગતાં આ બનાવ બન્યોહ તો. જેના કારણે મારા પોૈત્રનો હાથ સ્કૂટરમાં સાઇ જતાં તેને પતરૂ લાગી જવાથી ઇજા પહોંચી હતી. આથી તે ખૂબ ગભરાઈને રડવા લાગતા અમે તુરત જ તેને નજીકની વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં ડૉક્ટર્સ સહિત સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પૌત્રના હાથમાં પતરૂ લાગ્યું હોવાથી તરત ક્લીન કરવામાં આવ્યું હતું. તેમજ પાટો બાંધી આપ્યા બાદ ટાંકા લેવા પડશે તેમ જણાવાયું હતું. બાદમાં અમને મેડિક્લેમ અંગે પૂછવામાં આવતા અમે મેડિક્લેમ હોવાનું જણાવ્યું હતું. જેથી અમને ચોવીસ કલાક એડમિટ થવા માટે કહેતા અમે હા પાડી હતી. ત્યારપછી રાતે દસ વાગ્યા પછી પૌત્રને સ્ટિચ લેવા ઓપરેશન થિયેટર અંદર લઈ ગયા હતા.
આ પછી એકાદ કલાકમાં રૂમમાં શિફટ કરી દીધો હતો. સવારે તેને ખૂબ સારું હતું અને તે બોલતો ચાલતો અને હરતો-ફરતો હોવાથી અમે રજા માટે પૂછ્યું હતું. ત્યારે ચોવીસ કલાક થયા બાદ સાંજે રજા આપવાનું સ્ટાફ દ્વારા જણાવાયું હતું. બાદમાં સાંજે સાત વાગ્યે ચોવીસ કલાક પૂરા થતા અમે ફરી રજા આપવા કહ્યું હતું. આ દરમિયાન કેશલેસ સારવાર હોવા છતાં દસ હજાર રોકડ અમારી પાસેથી લેવાયા હતાં અને તેમાંથી માત્ર રૂ. 1400નું રિફંડ આપવામાં આવ્યું હતું. આ પછી પાંચમી માર્ચે છેક રાત્રે સાડા દસ વાગ્યા પછી અમને રજા અપાઇ હતી અને અમારી પાસેથી રૂા. 1,60,910નું અધધધ બીલ વસુલી લેવાયુ હતું.
આથી અમને આશ્ર્ચર્ય થયું હતું કે માત્ર સાત સામાન્ય ટાંકા લેવાનું બીલ આટલુ બધુ કેમ? છતાંય અમે ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ અમે કેટલાક લોકોની સલાહ લીધી હતી. બાદમાં એક જાગૃત નાગરિક તરીકે હોસ્પિટલ સામે સવાલ ઉઠાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને અમે મીડિયા દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યો હતો. જો હોસ્પિટલ દ્વારા આ મામલે સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે. દાદાએ વધુમાં કહ્યુ઼ હતું કે અમુક વખત ડૉક્ટરોનો ચાર્જ ઘણો વધારે હોય છે. મારી જ વાત કરું તો મારી હર્નિયા અને પ્રોસ્ટેટની સર્જરી કરવામાં આવી ચૂકી છે. જેમાં હું સાત દિવસ હોસ્પિટલમાં રહ્યો હોવા છતાં માત્ર એક લાખનું બિલ આવ્યું હતું. જેમાં સાત દિવસનો રૂમ ચાર્જ, બંને ઓપરેશન અને પંદર દિવસની દવાઓ પણ અપાઈ હતી. જ્યારે મારા પૌત્રના કિસ્સામાં કોઈપણ સર્જરી તો હતી જ નહીં. માત્ર ટાંકા લેવાયા હતા. ત્યારે આટલું મોટું બિલ કઈ રીતે હોઈ શકે?
આવી હોસ્પિટલમાં જે ડૉક્ટર્સ વિઝિટમાં આવે છે તે હાથ પણ લગાડતા નથી. પરંતુ તેનો વિઝિટ ચાર્જ લગાવવામાં આવે છે. ખરેખર જો પેશન્ટને જરૂરિયાત હોય તો જ ડોક્ટર મોકલવા જોઈએ.
મારી રકમ તો ઇન્શ્યોરન્સ કંપનીએ ચૂકવી છે. પરંતુ નાના માણસોને મુશ્કેલી ન થાય તે માટે આ મામલો મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. કોણે કેટલી ફી વસુલી તે બીલને આધારે દાદાએ જણાવતાં કહ્યુ઼ હતું કે ડૉ. હાર્દિક ધમસાણિયાની ફી- 61,120, સર્જરી ચાર્જ- 21,400, ડૉ.ભાવિક ભૂવા ચાર્જ- 11,000, એસો.કો. સર્જન ચાર્જ- 15,000, ઈમર્જન્સી સર્જરી ચાર્જ- 3,210, ઈમર્જન્સી સર્જન ચાર્જ- 9168, ઈમર્જન્સી એનેસ્થેસિયા ફી- 1650, ઈમર્જન્સી એસો.સર્જન ચાર્જ- 2250, ફાર્મસી ચાર્જ- 3044 મળી અમારી પાસેથી કુલ બિલ- રૂ.1,60,910 વસુલાયુ છે
વિવાદ જગાવતા આ મામલે વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે દર્દીને અહીં ઈમર્જન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઈમર્જન્સી સર્જરી કરવી પડી હતી. અને સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડૉકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી.
જોકે ડૉ.હાર્દિક ધમસાણિયાએ રૂ. 61 હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં અને તમામ ચાર્જીસ નિયમ મુજબ હોવાનો બચાવ કરાયો હતો. ખરેખર આટલો ચાર્જ શેનો? એ મુદ્દે શહેરભરમાં ચર્ચા જાગી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:05 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm