સગીરાઓ-દિકરીઓને લેભાગુઓ ફસાવી રહ્યાની ઘટનાઓ વચ્ચે રાજકોટમાં સામે આવી ચકચારી ઘટના

ભુવાની જાળમાં ફસાયેલી નર્સિંગની છાત્રાનું ભેદી મોત

રાજકોટ: સગીરાઓ, યુવતિઓને ફસાવી તેમના જીવતર બરબાદ કરી નાખવાની ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે. આવો એક બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે. જેમાં પોતાને ભુવા તરીકે ઓળખાવતા મવડી સ્મશાન પાસે રહેતાં શખ્સે ભગવતીપરાની યુવતિને ફસાવી લીધી હતી. આ યુવતિનું ભેદી સંજોગોમાં મોત થતાં પિતા-બહેન સહિતે તેણીને ભુવાએ ઝેર આપી મોતને ઘાટ ઉતારી દીધાનો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તપાસ આરંભી હતી.
ચોંકાવનારી વિગતો પર નજર કરીએ તો ભગવતીપરામાં રહેતી યુવતિ એકાદ વર્ષથી મવડી ગામમાં ગેલ પાનવાળી શેરીમાં રહેતાં અને પોતાને ભુવાજી તરીકે ઓળખાવતા કેતન સાગઠીયા સાથે રહેતી હોઇ હોળીની સાંજે તેણીએ કેતનના ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ગત રાતે તેણીનું મોત નિપજતાં ભગવતીપરામાં રહેતાં પિતા ધીરજભાઇ ધનજીભાઇ સોલંકી સહિતે પોતાની દિકરીએ જાતે દવા નથી પીધી પણ પીવડાવીને હત્યા કરવામાં આવી છે તેવો આક્ષેપ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બીજી તરફ મૃતકની બહેને કહ્યું હતું કે ભુવાએ મારી બહેનને ફસાવી હતી. તેણે મારી બહેનને તારા પિતા ગુજરી જશે, તેને જીવતા રાખવા હોય તો વિધી કરાવવી પડશે તેમ કહી ફસાવી હતી. હવે મારી બહેનને લાશ અમને મળી છે.
આ ઘટનાની વધુ માહિતી જોઇએ તો 26 વર્ષની કોમલબેન કેતનભાઇ સાગઠીયા નામની યુવતિએ હોળીના દિવસે સાંજે છએક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ સોમવારે રાત્રે તેણીનું મોત થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ ગોૈતમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે કોમલબેનના પિતા ધીરજલાલ સાગઠીયાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારી દિકરી કોમલબેનને દોઢેક વર્ષ પહેલા કેતન ભુવાજીએ ફસાવી હતી અને તેને ભગાડી ગયો હતો. તેણી લગ્ન વગર જ કેતન સાથે રહેતી હતી. મારી દિકરીને કંઇક કરી મુક્યું હોવાની શંકા છે. તે જાતે દવા પીવે તેવી નહોતી, તેણીને દવા પીવડાવી દીધાની અમને શંકા છે.
મૃતક દિકરીના પિતા ધીરજભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા માતાજીનો માંડવો હતો તેમાં કેતન ભુવાજી તરીકે આવ્યો હતો. એ પછી મારી દિકરી સાથે ઓળખાણ કેળવી હતી અને તેને ફસાવી હતી. તે લગ્ન વગર જ મારી દિકરીને રાખતો હતો. કોમલબેન એક ભાઇ અને ત્રણ બહેનમાં મોટી હતી અને જ્યારે તેણીને ભગાડી તે વખતે તે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. પિતા ધીરજલાલ સાગઠીયા આરએમસીમાં સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે કેતને અગાઉ પણ એક છોકરીને ફસાવી હતી અને આ કારણે ગુનો નોંધાતા જેલમાં પણ ગયો હતો. મારી દિકરીને દાખલ કરી ત્યારથી તે હોસ્પિટલમાં ભેગો જ હતો, ગત રાતે દિકરીનું મૃત્યુ થયા બાદ તે નીકળી ગયો હોઇ અમને વધુ શંકા ઉપજી છે. તેમ વધુમાં ધીરજલાલે જણાવ્યું હતું.
આ ઘટના વિશે મિડીયા સમક્ષ મૃતક કોમલબેનની કુટુંબી બહેને જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા મારી બહેનને આ કેતન ભુવાએ ફસાવી હતી. તેણે કહેલું કે તારા પિતા ગુજરી જશે, તેની વિધી કરવી પડશે. આથી મારી બહેન તેની પાસે દાણા જોવડાવવા ગઇ હતી અને ફસાઇ ગઇ હતી. એ પછી અમારા ઘરેથી જતી રહી હતી અને ભુવાના ઘરે રહેવા માંડી હતી. ત્યાં 1મેના રોજ તેણે ઝેરી દવા પીધી હતી અને કેતન ભુવાનો ત્રાસ હોવાનું તેમજ પૈસા ખાઇ ગયાનો આક્ષેપ તે વખતે ચિઠ્ઠીમાં કર્યો હતો. અમે તેને પરત અમારી ઘરે લાવ્યા બાદ તે ફરીથી 9મેના રોજ જતી રહી હતી.
તેણીએ આગળ કહ્યું હતું કે ત્યારબાદ ત્રણ મહિના પછી પોતાને ખુબ ત્રાસ હોવાની જાણ અમને કરી હતી. અમે તેને ફરી તેડવા ગયા હતાં પણ તેને ભુવાએ આવવા દીધી નહોતી. મારી બહેનના શરીર પર ચાંભા છે, મારકુટ થયાના નિશાન લાગે છે. ભુવાએ અગાઉ પણ બે લગ્ન કર્યા છે. અમારી દિકરીની જેમ બીજી દિકરી ન ફસાય તે માટે આકરી કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે. વિજ્ઞાન જાથા અવાર-નવાર કહેવાતા પાખંડી ભુવાભારાડી, કહેવાતી ભુઇમાના પર્દાફાશ કરતી રહે છે. ત્યાં હવે આ બનાવમાં ભુવાને કારણે એક પરિવારે તેની લાડકવાયી આશાસ્પદ દિકરી ગુમાવી દીધી છે. પોલીસે ભુવાની શોધખોળ શરૂ કરી છે.મૃતકની બહેનનો વલોપાત-ભુવાએ કહેલુ‘તારા પિતા ગુજરી જશે, વિધી કરવી પડશે, ડરીને મારી બહેન ત્યાં દાણા જોવડાવવા ગઇ અને જાળમાં ફસાઇ ગઇ: અગાઉ પણ તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો: આ વખતે અમને તેની લાશ મળી’

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:07 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm