નમકીન-વેફર્સ બનાવતી KBZ ફેક્ટરી આગમાં ખાખ: મસમોટુ નુકસાન
મશીનરી, તેલ, તૈયાર કાચો માલ સહિત બળીને ખાખ: આખા શેડ ભસ્મીભુત થઇ ગયા: આગનું કારણ બહાર ન આવ્યું: ધૂમાડાના ગોટા દૂર દૂરથી જોવા મળ્યા
રાજકોટ: આગની ઘટનાઓ બને ત્યારે શહેર ચર્ચાના ચકડોળે ચડે છે. ત્રેવીસનો ભોગ લઇ લેનાર ટીઆરપી ગેમ ઝોનના સ્થળે રવિવારે ત્યાં પડેલા ભંગાર કે બીજા જથ્થામાં ફરી આગનુ છમકલુ જોવા મળ્યું હતું. એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ભભુકેલી અને ત્રણનો ભોગ લઇ ગયેલી આગની ઘટનામાં હજુ તપાસ ચાલુ છે. ત્યાં વધુ એક આગે મોટી નુકસાની નોતરી હતી. શહેરના કુવાડવા રોડ પર નવાગામ સાત હનુમાન પાછળ આવેલા નાકરીવાડી નજીક પીપળીયામાં કેબીઝેડ નામની વેફર્સ, નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ ભભુકતાં રાજકોટથી ફાયર ફાયટરના આઠ બંબા દોડી ગયા હતાં. આગમાં બે શેડ સંપુર્ણ ખાક થઇ ગયા હતા આ કારણે મોટી નુકસાની થઇ હતી. અઢીસો જેટલા કર્મચારીઓ કામ કરતાં હોઇ સદ્દનસિબે જેટલા હાજર હતાં એ બધા બહાર નીકળી જતાં જીવહાની અટકી હતી.
આગને કારણે કારણે ધુમાડાના ગોટેગોટા ગગનમાં જોવા મળ્યા હતાં. આ કારણે ઘટના સ્થળ તરફ લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને પોલીસ પણ દોડી ગઇ હતી. વેફર્સ, નમકીન બનાવતી આ ફેક્ટરી હોઇ અંદર તેલ સહિતનો જ્વલનશીલ પદાર્થ પણ વધારે હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી ગઇ હતી. આગમાં મોટી નુકસાની થઇ છે. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી. વિશેષ વિગતો પર નજર કરીએ તો નાકરાવાડી પીપળીયામાં આવેલી કેબીઝેડ નામની કે. બી. ઝાલાની ફેક્ટરીમાં સવારે આગ ભભૂક્યાની જાણ સત્યજીતસિંહ નામની વ્યક્તિએ કરતાં રાજકોટથી ફાયર ફાયટરની ચાર ગાડીઓ દોડી ગઇ હતી. આગ વધુ ફેલાઇ ગઇ હોઇ વધુ ગાડીઓ દોડાવાઇ હતી. જાણવા મળ્યા મુજબ આ ફેક્ટરીમાં વેફર્સ, નમકીનનું ઉત્પાદન કરવામાં આવે છે.
ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગમાં વિશાળ ફેક્ટરીના બે શેડ ખાક થઇ ગયા હતાં અને મોટી નુકસાની થયાનું જણાવાયું હતું. બનાવની જાણ થતાં તાલુકા મામલતદાર કે. એસ. મકવાણા, એસીપી બી. વી. જાધવ, કુવાડવા પીઆઇ બી. પી. રજયા, તેમજ ડી. સ્ટાફ, એફએસએલ વેન સહિતના પહોંચી ગયા હતાં. આગ વેફર્સ નમકીનના કારખાનામાં લાગી હતી. જે જોત જોતામાં આખી ફેક્ટરીના શેડમાં ફેલાઇ ગઇ હતી. આગ એક શેડમાંથી આગળ વધી બીજામાં ફેલાઇ ગઇ હતી અને બાદમાં ત્રીજા શેડમાં પ્રસરી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમો દિવાલમાં બાકોરૂ પાડીને આગ બુઝાવવા કામે લાગી હતી. નમકીન બનાવવાના વિભાગ અને કેન્ટીન વિભાગમાં આગ વધુ આગ ફેલાઇ ગઇ હતી અને મોટી નુકસાની થઇ હતી.
દરમિયાન આગ જ્યાં ભભુકી તે ફેક્ટરી ખાતે હાજર સત્યજીતસિંહે જણાવ્યું હતું કે આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી. વેફર્સ નમકીન બનાવવામાં આવતાં હોઇ તેલનો જથ્થો વધુ હોય છે. ફેક્ટરીમાં અઢીસો જેટલા કર્મચારીઓ કામ કરે છે. જો કે સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ નુકસાની મોટી થઇ છે. ફાયર બ્રિગેડે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને પાંચ કલાકે કાબુમાં લીધી હતી. આમ છતાં બપોરે દોઢ વાગ્યે થોડા થોડા લબકારા ચાલુ હતાં. સવારે આગ લાગતાં જ કર્મચારીઓ ફટાફટ બહાર નીકળી ગયા હતાં. મશીનરી, પેકેજીંગ, શેડ બધુ બળી ગયું હતું. સવારે ભભુકેલી આગના લબકારા મોડી બપોર સુધી જોવા મળ્યા હતાં.
