પ્લેટ ક્રેસ થતાજ અગનગોળો બની ગયું : કલેકટર
રાજકોટ મિરર, તા.2
જામનગર પંથકના સુવરડા ગામની સીમમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં આઈએએફના અધિકારી, કલેક્ટર, એસપી, ફાયર વિભાગ ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્લેન ક્રેશ થવાથી એક પાયલટ શહીદ થયા હોવાનું અને એક પાયલટ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના કાલાવડ રોડ નજીક સુવરડા ગામની સીમમાં ભારતીય વાયુસેનાનું તાલીમી ફાઈટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વાડી વિસ્તારમાં અગન ગોળો બની ધડાકાભેર તુટી પડ્યું હતું. સીમમાં પ્લેનનો કાટમાળ વિખેરાયો હતો અને આગ પણ લાગી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી., ઘટનાના પગલે એક પાયલટ શહીદ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક ઘાયલ થયો છે.
જામનગરના એસપીએ એ જણાવ્યું હતું કે, ફાયટર પ્લેનમાં બે પાયલટ સવાર હતા. ઘટના અંગે જામનગર કલેક્ટરે જણાવ્યું હતું કે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો છે. એક પાયલટ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
અત્રે એ નોંધનીય છે કે 31 માર્ચ, 2025ના રોજ મહેસાણાના ઍરોડ્રોમ પર ચાલી રહેલા પાયલટ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમિયાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું.
આ ઘટનામાં એક ટ્રેઇની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
