વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢની ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ FIR થતા રાજકીય માહોલ ગરમાયો છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડૉ.અતુલ ચગના આપઘાત કેસના ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે કે, ડૉક્ટર અતુલ ચગની સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાના નામનો ઉલ્લેખ હતો.
ભાજપ સાસંદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ FIR નોંધાયા બાદ ગીર સોમનાથના SPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં પુરાવો મળતા ગુનો નોંધવામાં આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. મૃતક ડૉ અતુલ ચગના પુત્ર હિતાર્થે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ‘વર્ષ 2008માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી જઈ હતપ્રત થઈ ગયા હતા અને તા. ૧૨.૦૨.૨૦૨૩ના રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.’
ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડૉક્ટર અતુલ ચગે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી.
અનેક વખત રજૂઆત કરવા છતાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ સામે ફરિયાદ નોંધવામાં ન આવતા મૃતક ડૉ અતુલ ચગના પુત્ર હિતાર્થે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી અને સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી હતી. તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે, અમારા અધિકારક્ષેત્રમાં આ મામલો આવતો નથી. ડૉ. અતુલ ચગ આપઘાત કેસના ત્રણ મહિના બાદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.