કરોડોનો બિઝનેસ પુત્રને હવાલે કરી સુરતના દંપતિનું સંયમના માર્ગે પ્રયાણ

0
1401

કરોડો-અબજોના હીરાના વેપાર થકી લખલૂટ સંપત્તિ ધરાવતા અને દોમ દોમ સાહ્યબીમાં જીવન વિતાવનારું સુરતનું દંપતિ હવે તમામ સામાજીક સુખનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરવા જઇ રહ્યું છે. જૈન સમુદાયમાં ચાતુર્માસ બાદ હવે દીક્ષા અંગીકારના ભવ્ય કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત આ દંપતિ પણ પોતાનું વૈભવી જીવન ત્યાગી દીક્ષાનું મૂહુર્ત લેવા ઉમરા જૈન સંઘ પહોંચ્યા હતા.

હીરાના વેપારી દીપેશ શાહ અને તેમના પત્ની તેમની જગુઆર કારમાં વાજતેગાજતે શોભાયાત્રા કરી ઉમરા જૈન સંઘમાં પહોંચી મહારાજ સાહેબ પાસે મુહૂર્ત માગ્યું હતું. અગાઉ પણ આ દંપતિનાં એક દીકરી અને એક દીકરો અગાઉ દીક્ષા લઈ ચૂક્યાં છે. શાહ પરિવાર વર્ષો પહેલાં બેલગામથી સુરત રહેવા આવ્યો હતો. આજથી 10 વર્ષ પહેલાં તેમની પુત્રી પ્રિયાંશીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને સંયમ જીવનમાં સાધ્વી પરાથરેખાશ્રીજી નામ સ્વીકાર્યુ હતું, જ્યારે પાંચ વર્ષ પહેલાં તેમનો પુત્ર ભવ્ય શાહને પણ તેમણે દીક્ષા અપાવી હતી. એ સમયે ભવ્ય ફેરારી કારમાં દીક્ષા મુહૂર્ત લેવા ગયો હતો. સંયમ જીવનમાં તેણે મુનિ ભાગ્યરત્નવિજય નામ ગ્રહણ કર્યું હતું.

દીપેશ શાહે તેમના મોટા દીકરાના લગ્ન બાદ દીક્ષાના મુહૂર્ત લેવાનું નક્કી કર્યું હતું. પૂ.દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરીજીના આજીવન ચરણો ઉપાસક તરીકે જાણીતા ગુરુદેવ રશ્મિરત્નસૂરીજીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન પ્રથમ મુહૂર્ત ઉત્સવનો કાર્યક્રમ યોજાશે.