અરવિંદ કેજરીવાલ સાથે સંવાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા:જીએસટી, વીજબીલ, યાર્ડ,ટેક્સ વગેરે વિષયોના પ્રશ્નો પૂછ્યા

0
445

અરવિંદ કેજરીવાલ સાથે સંવાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા:જીએસટી, વીજબીલ, યાર્ડ,ટેક્સ વગેરે વિષયોના પ્રશ્નો પૂછ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે કાલાવડ રોડ પર આવેલા રત્નમ વિલામાં વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.કેજરીવાલના કાર્યક્રમમાં 1000થી વધુ વેપારીઓ ઉમટી પડ્યા છે જે સંખ્યા ઘણી વધુ ગણી શકાય. બીજી બાજુ આ કાર્યક્રમમાં વેપારીઓ દ્વારા કેજરીવાલને જીએસટી, વીજબીલ, યાર્ડ ટેક્સ, બોરની ફી સહિતના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. કેજરીવાલ દ્વારા વેપાર-ઉદ્યોગકારોના એક-એક પ્રશ્નને પહેલાં ધ્યાનથી સાંભળ્યા હતા અને ત્યારપછી તેમના એક-એક કરીને જવાબો આપ્યા હતા.

કેજરીવાલે વેપારીઓ સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીમાં જ્યાં સુધી જીએસટી દરોડા પ્રથા ચાલું હતું ત્યાં સુધી સરકારની આવક 30,000 કરોડથી વધતી નહોતી પરંતુ આમ આદમી પાર્ટી શાસનમાં આવ્યા બાદ સૌથી પહેલાં દરોડા પ્રથા બંધ કરવામાં આવી હતી જેનો જબ્બર ફાયદો મળ્યો હોય તેવી રીતે સરકારની આવક 75,000 કરોડ થઈ જવા પામી છે.

આ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સના સેક્રેટરી નૌતમ બારસીયા ઉપરાંત કારોબારી સભ્યો અશોક વીરડીયા, કિશોર વઘાસીયા અને રાજુ જુંજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માર્કેટ યાર્ડ દલાલ મંડળના પ્રમુખ અતુલ કમાણી, એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વસાણી, ગ્રેટર ચેમ્બરના ધનસુખ વોરા સહિત સંખ્યાબંધ સંગઠનોના હોદ્દેદારો-પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.