રિહાન નામના વ્યક્તિએ યોગી આદિત્યનાથને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી

0
343

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી રિહાન નામના વ્યક્તિએ ડાયલ ૧૧૨ના વોટ્સએપ પર મેસેજ દ્વારા મોકલી હતી. જણાવી દઈએ કે રિહાને મેસેજમાં લખ્યું છે કે, ‘હું જલ્દી જ સીએમ યોગીને મારી નાખીશ’.
જો કે હવે આ ધમકી બાદ યુપી એટીએસ સહિત તમામ તપાસ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને ધમકીને લઈને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. વાત કઈંક એમ છે કે સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આ ધમકી ૨૩ એપ્રિલની રાત્રે ૮:૨૨ વાગ્યે ડાયલ ૧૧૨ના વોટ્સએપ ડેસ્ક પર મેસેજ મોકલીને આપવામાં આવી હતી. આ સાથે જ ધમકીભર્યો મેસેજ જોઈને ડાયલ ૧૧૨એ સોમવારે સવારે પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ કરી હતી અને એ બાદ પોલીસે ધમકી અંગે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે જ યુપી એટીએસને પણ આ વિશે જાણ કરવામાં આવી હતી.
ધમકી મોકલનાર વ્યક્તિની ઓળખ રિહાન તરીકે થઈ છે અને તેઓ વોટ્સએપ નંબર પરનો પ્રોફાઈલ ફોટો ઉર્દૂમાં છે. એવામાં હવે હાલ પોલીસ રીહાનનો મોબાઈલ નંબર સર્વેલન્સ પર મૂકીને તેને શોધી રહી છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગીને ધમકી મળી હોય. આ પહેલા પણ સીએમ યોગીને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.
પ્રયાગરાજમાં માફિયા અતીક અને અશરફની હત્યા બાદ સીએમ યોગી નિશાના પર આવ્યા હતા અને બાગપતના એક યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સીએમ યોગીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. જે બાદ બાગપત પોલીસે ધમકી આપનાર યુવકની ધરપકડ કરી છે.