રાજકોટ જિલ્લાના પિપળીયા અને નાગલપરા ગામે કાર્યરત કરાયો પાયલોટ પ્રોજેક્ટ – ‘પ્રોજેક્ટ ધરતી’

0
758

રાજકોટ જિલ્લાના પિપળીયા અને નાગલપરા ગામે કાર્યરત કરાયો પાયલોટ પ્રોજેક્ટ – ‘પ્રોજેક્ટ ધરતી’

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

મહિલાઓમાં માસિક ધર્મ સમયે ઉપયોગમાં લેવાતા કાપડ અને સેનેટરી પેડના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને તથા પર્યાવરણને થતા નુકસાન અંગે જનજાગૃતી લાવવનાનો એક પ્રયાસ – જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પરિવારજનો મેન્સ્ટ્રુઅલ કપને અપનાવવા મહિલાઓને પ્રોત્સાહિત કરે – વ્યવસાયિક સંસાધન કર્મચારી, કાત્યાઈની તિવારી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

v મેન્સ્ટ્રૂઅલ કપ સિલિકોનનો બનેલો હોય

v મેન્સ્ટ્રુઅલ કપ ત્રણ સાઇઝમાં આવે છે, નાની, મીડિયમ અને મોટી સાઇઝમાં ઉપલબ્ઘ

v કપનું આયુષ્ય ૫ થી ૬ વર્ષનું હોય અને તેનો વારંવાર ઉપયોગ કરી શકાય

v પેડ, કપડું કે ટેમ્પોનના ઉપયોગથી પ્રતિમાસ બહેનોને ૮૦ થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ થતો હોય છે

v મેન્સ્ટ્રૂઅલ કપનો ઉપયોગથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે

v કપના ઉપયોગથી ઈન્ફેક્શન થતું નથી તથા સ્વાસ્થ્ય સબંધિત બિમારીનો ભય દૂર થાય

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કાત્યાઈની બહેન – બહેન, તમે પીરિયડમાં થાવ ત્યારે તમે શેનો ઉપયોગ કરો ?

મહિલા – શરમાઈને જવાબ નથી આપતા

કાત્યાઈની બહેન – બહેન, તમે શરમ ના રાખો, તમે બોલશો તો અમે તમારી મદદ કરી શકશું.

મહિલા – ઓલા નેપકિન કે કપડું વાપરીએ (ખુબ જ શરમાઈને….ગંભીરતાથી)

વર્તમાન સમયમાં શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓમાં માસિકધર્મ બાબતે વાત કરવામાં પણ સંકોચ થતો જોવા મળે છે. આવા માહોલની વચ્ચે સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ વખત એક નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ બચાવવા, અને મહીલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને મહિલાઓને સેનેટરી પેડ કે કપડાના ઉપયોગને બદલે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, તરૂણીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં અમે દીકરીઓ માટે સેનિટરી પેડના વેન્ઠીંગ મશીન મુકાવ્યા છે, જેનો તેઓ નિયમિત ઉપયોગ કરે છે. પરંતુ મહિલાઓની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી એમાં બદલાવ લાવવા માટે વિચારણા કરી રહ્યા હતા. એવા સમયે ભારતભરમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થા ‘લાલ સખી’ ગ્રુપ સાથે સંર્પક થયો અને જિલ્લા પંચાયત દ્વારા ૧.૫૦ લાખની રકમ સ્વ-ભંડોળમાંથી ફાળવીને રાજકોટ જિલ્લાના નાગલપર અને પિપળીયા એમ બે ગામડાઓમાં પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે ‘પ્રોજેક્ટ ધરતી’ શરુ કરવામાં આવ્યો છે.

શ્રી દેવ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, ‘પ્રોજેક્ટ ધરતી’ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં માસિક ધર્મ સમયે ઉપયોગમાં લેવાતા કાપડ અને સેનેટરી પેડના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચતું હોય છે તેમજ પર્યાવરણને થતા નુકસાન અંગે જનજાગૃતી લાવવનાનો એક પ્રયાસ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.રાજકોટ-અમદાવાદ હાઇવે પર પીપળિયા ગામની આજુબાજુનાં ગામોમાં ઘરે ઘરે જઇ મહિલાઓને મેન્સ્ટ્રૂઅલ કપ વિશે માહિતી આપવામાં આવે છે. મહિલાઓએ મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે સમજાવવામાં આવે છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એક ટાર્ગેટ રાખવામાં આવ્યો કે, ૬ મહિનામાં ૨૦૦ મહિલા આ કપનો ઉપયોગ કરતી થાય ત્યારબાદ તાલુકા દીઠ બે કે તેથી વધુ ગામ પસંદ કરીને મોટા પાયે અમલીકૃત કરવામાં આવશે. હાલમાં ૯૦ બહેનો આ નવતર પ્રયોગને અપનાવી લીધો છે અને ૩૦૦થી વધુ મહિલાઓને કપના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવી છે.

આ કપ બજારમાં ૪૦૦થી ૫૦૦ રૂપિયામાં મળે છે, પરંતુ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા માત્ર ૨૫૦ રૂપિયામાં આપવામાં આવે છે, એ પણ ૧૦, ૨૦ કે ૫૦ રૂપિયાના હપ્તે એટલે કે જ્યારે શક્ય બને ત્યારે રૂપિયા ચૂકવી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ આપવામાં આવી છે, તેમ શ્રી દેવ ચૌધરીએ ઉમેર્યું હતું.

રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત વ્યવસાયિક સંસાધન કર્મચારી તરીકે કામ કરતા કાત્યાઈની તિવારી કહે છે કે, કાપડ અથવા સેનેટરી પેડના ઉપયોગના કારણે અનેક મહીલાઓને સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓ ઉદભવતી હોય છે. જેના વિશે તેઓ પરિવારજનોને કહેવામાં પણ ખચકાટ અનુભવતી હોય છે. મને પોતાને પેડ અને કાપડના ઉપયોગના કારણે પાંચ વર્ષ પહેલા શરીરમાં ગાંઠ થઈ હતી, જેનું ઓપરેશન કરીને ગાંઠને દૂર કરવામાં આવી, આ પ્રક્રિયા ખુબ જ પીડાદાયક હતી. મારા પતિ મારી સાથે હતા, ઓપરેશન બાદ તેઓએ મારા સ્વાસ્થ્યનો ખ્યાલ કરીને મારા માટે સુરક્ષીત એવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવા અંગે ડોક્ટર પાસેથી જાણકારી મેળવીને મને માહિતગાર કરી તેમજ ઓનલાઈન મેન્સ્ટ્રુઅલ કપ મંગાવી આપ્યો. આ ઘટના મને જીવનભર યાદ રહેશે.

ઘણી બહેનોને પીરીયડ દરમિયાન સેનેટરી પેડ કે કાપડ વાપરવાને કારણે ગુપ્તભાગમાં ખંજવાળ આવવી, બળતરા થવી, લાલ ચકામા થવા કે ચામડીના રોગો થવા જેવી સમસ્યાઓ થતી હોય છે. જેને નિવારવા માટે પેડના બદલે કપડાનો ઉપયોગ કરતી હોય છે જે વધુ ઘાતક સાબિત થાય છે. જ્યારે સિલીકોન મટીરિયલમાંથી બનતા મેન્સ્ટ્રુઅલ કપ સેનિટરી પેડની સરખામણીએ આરામદાયક છે. ઘણી મહિલાોઓ કપની ઉપયોગીતા સમજીને અપનાવે છે, પરંતુ પરિવારજનોના વિરોધના કારણે ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવે છે, આવા સંજોગોમાં પરિવારજનોએ પરિસ્થિતિ સમજીને સ્ત્રીના સ્વાસ્થ્યનો વિચાર કરીને તેના ઉપયોગ માટે સહમત થવુ જોઈએ તેમ કાત્યાઈની બહેને જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, મેન્સ્ટ્રૂઅલ કપ એ સિલિકોનનો બનેલો હોય છે. મેન્સ્ટ્રુઅલ કપ ત્રણ સાઇઝમાં આવે છે, જેમાં નાની, મીડિયમ અને મોટી સાઇઝનો સમાવેશ થાય છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની યુવતી માટે નાની સાઇઝનો કપ ઉપયોગમાં આવે છે. ૧૮ થી ૩૦ વર્ષની મહિલાઓ માટે મીડિયમ સાઇઝનો કપ ઉપયોગમાં આવે છે અને જે મહિલાઓ ૨૫ વર્ષથી વધુ ઉંમર ધરાવે છે અને તેઓ માતા બની ગઇ હોય તો તેમના માટે મોટી સાઇઝનો કપ ઉપયોગમાં આવે છે. કપનો ઉપયોગ કરતાં પહેલાં તેને ગરમ પાણીમાં ઉકાળી ૫ મિનિટ રાખી સાફ કર્યા બાદમાં તેનો ઉપયોગ કરી શકાય છે. કપનો ઉપયોગ કરતી વખતે એને દિવસમાં ૪ થી ૫ વખત, ૪ થી ૫ કલાકના અંતરાલે ગરમ પાણીથી સાફ કરવાનો રહેશે. આ કપનું આયુષ્ય ૫ થી ૬ વર્ષનું હોય છે, જ્યારે કે પેડ કે કપડું લઇએ તો પ્રતિ મહિને બહેનોને ૮૦ થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પેડ, કપડું કે ટેમ્પોન ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થતું જણાય છે, જ્યારે મેન્સ્ટ્રૂઅલ કપનો ઉપયોગ કરવાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે. સાથે સાથે નાણાની બચત પણ થાય છે. આનો વધુ એક ફાયદો છે કે, કપ દ્વારા બનતા વેક્યૂમથી લોહી હવાના સંપર્કમાં આવતું નથી, જેના કારણે વસ્ત્રોમાંથી દુર્ગંધ આવતી નથી અને ઈન્ફેક્શન લાગતા બચાવે છે.

આમ જોઈએ તો, સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણના બચાવ માટે મેન્સ્ટ્રૂઅલ કપ આવનારા સમયની જરૂરીયાત બની રહશે. મેન્સ્ટ્રૂઅલ કપના ઉપયોગ માટે મહિલાઓની તથા પરીવારજનોની બહુમતિ અને સહમતી બંને અનિવાર્ય છે.