જામનગરના જામવંથલીમાં ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે, બાળકીને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે આ સિવાય રેસ્ક્ય ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચીને જરુરી કામગીરી કરી રહી છે. બાળકી રમતા-રમતા બોરવેલમાં ફસાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે. તલાટી સહિતના લોકો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને બાળકીને બહાર કાઢવા માટે બનતા પ્રયાસો કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર મળે તે માટે પહોંચી ગઈ છે.
જામવંથલીના સીમાડે આવેલી વાડીમાં બાળકી પડી ગઈ હોવાની વિગતો મળી રહી છે. અગાઉ પર આ પ્રકારની ઘટનાઓમાં બાળક બોરવેલમાં ફસાયા બાદ તેમને બચાવી લેવામાં સફળતા હાથ લાગી છે ત્યારે અહીં પણ બાળકીને બચાવવાના તમામ બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બનાવની વિગતો મળતા જામનગર અને કાલાવાડની ફાયર વિભાગની ટૂકડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને બાળકીને બોરમાંથી બહાર કાઢવાની જરુરી કામગીરી કરવામાં આવી રહી છે. ખેતમજૂરની બાળકી રમતા-રમતા બોરવેલમાં પડી ગઈ હતી, આ બનાવ બન્યા બાદ આસપાસના લોકોને જાણ કરીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.જે બોરવેલમાં લગભગ ત્રણ વર્ષની બાળકી ફસાઈ ગઈ છે તેની ઊંડાઈ ૨૫-૩૦ ફૂટની હોવાનો અંદાજ છે.
મળતી વિગતો પ્રમાણે ખેતમજૂર પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે નજીકમાં રહેલા બોરવેલમાં બાળકી પડી ગઈ હતી. બનાવની જાણ થતાં ખેતરમાં કામ કરતા અન્ય ખેતમજૂર પરિવારો સહિત તલાટી પણ વાડીમાં પહોંચી ગયા હતા.રેસ્ક્યૂ ઓપરેશન માટે અહીં સૌથી મોટો પડકાર એ છે કે બોરવેલની ત્રિજ્યા ઘણી જ ઓછી છે માટે તે પ્રમાણેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.