ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા છે. અકસ્માતમાં મૃત્યુ આંકમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં 5495, રાજકોટમાં ૩૯૩૪ અને વડોદરામાં ૨૦૯૮ મૃત્યુ થયા છે.
ગુજરાત સરકાર પાસે અમારી માગ છે કે ગુજરાતને સ્પીડ મેનેજમેન્ટ પ્લાનની તાતી જરૂરિયાત છે. ઈન્ટર સેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરી ટીનએજર અને યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરિંગ કરવું જોઈએ. અમદાવાદમાં એસ.જી. હાઇવે પર સર્જાયેલો ગોઝારો અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ.