અમરેલી:ખાંભા તાલુકાના પાટી ગામમાં વાડીએ ખેડૂત માતા-પુત્રને બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને હત્યા

0
6106

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાં ખેડૂત માતા-પુત્રની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ હતી.વાડીએ બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને હત્યા કરાયેલી હાલતમાં માતા-પુત્રની લાશ મળવાથી પોલીસ તંત્ર પણ દોડતુ થયું હતું અને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે,ખાંભા તાલુકાના પાટી ગામે સિમ વિસ્તારમાં માતા પુત્રની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હત્યા નિપજાવી દેવામાં આવી હતી.અહીં ૯૦ વર્ષીય માતા દૂધીબેન જીવરાજભાઈ સુહાગિયા અને સુરેશભાઈ જીવરાજભાઈ સુહાગિયા (ઉ.વ.૫૭)ની હત્યા થઇ હતી.બંને ૬૦ વીઘા જમીનની દેખરેખ અને ખેતીનું કામ કરી ગુજરાન ચલાવી રહ્યા હતા તેવામાં બંનેની બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને ઘાતકી હત્યા થઇ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સમગ્ર હત્યાનીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. માતા દુધીબેન અપંગ હતા, જેમની લાશ મકાનમાં ખાટલા પરથી મળી હતી, જયારે પુત્રનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ખાંભા પોલીસનો કાફલો તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.તો મળતી માહિતી પ્રમાણે મૃતક ના મોટા પુત્રની હત્યા પણ આજથી દોઢેક વર્ષ પહેલા આજ સ્થળ પર થઇ હતી અને ત્યાર બાદ આ બનાવ બનતા સમગ્ર કડી મેળવવાના પ્રયાસો સાથે પોલીસે તપાસ શરુ કરી હતી. અમરેલીનાં એસ.પી. હિમકરસિંહે જણાવ્યું હતું કે, એલસીબી અને એસઓજી સહિતની ટીમો તપાસ માટે મોકલાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટ માટે હત્યા થયાનું લાગતું નથી. હાલ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં પોલીસની ધાક ન રહેવાને કારણે હત્યા,ચોરી,મારામારી સહિતના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે, તેવામાં પોલીસ દ્વારા કડકાંઈથી જિલ્લામાં વર્તન કરવું જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે.