વેરાવળમાં શ્વાનોને અજાણ્યા શખ્સો દ્વારા ભેદી રીતે ઝેરી ખોરાક જેવો પદાર્થ ખવડાવી મારી નાખવાની પ્રવૃત્તિથી જીવદયા પ્રેમીઓમાં રોષ

0
76

વેરાવળમાં ચોક્કસ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી શેરીના શ્વાનોને અજાણ્યા શખ્સો દ્વારા ભેદી રીતે ઝેરી ખોરાક જેવો પદાર્થ ખવડાવી મારી નાખવાની પ્રવૃત્તિ થઈ રહ્યાનું સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તેલ છે. આ પ્રવૃત્તિ અટકાવવા કલેકટરને લેખીત રજુઆત કરી માંગણી કરી છે.
વેરાવળના જીવદયાપ્રેમીઓએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, શહેરના જુના કુંભારવાડા, લોહાણા હોસ્પીટલ આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે-એક માસથી શેરીના શ્વાનો (કૂતરા) ઓને ઝેરી પદાર્થો ખવડાવી મારી નાખવાની પ્રવૃત્તિ અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં મોડી રાત્રીના બે-એક વાગ્યા પછી શ્વાનોને ભેદી ખોરાક ખવડાવવામાં આવે જે ખાધા પછી થોડા સમય બાદ શ્વાનો તરફડીયા મારવા લાગે છે અને થોડા સમયમાં મૃત્યુ પામે છે. આ પ્રવૃત્તિ મોડી રાત્રીના બધા લોકો સુઈ ગયા બાદ થતી હોવાથી કોણ આવું કરે છે તે ખબર પડી રહી નથી. આ વિસ્તારોના શેરી શ્વાનો ક્યારેય કોઈ રાહદારીઓને હેરાન કરતા ન હોવા છતાં તેઓને અજાણ્યા લોકો ભેદી રીતે મારવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેનાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તેલ છે. ત્યારે આ ગેરકાયદેસર રીતે અબોલ શ્વાનોને મારી નાખવાની ચાલતી ભેદી પ્રવૃત્તિ અટકાવવા પગલા ભરવા અંતમાં માંગ કરી છે.