સાયલા તાલુકાના થોરિયાળી ગામના વતની અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પદ પરથી એક મહિના પહેલા રાજીનામું આપી દેનાર પીઢ કોંગી આગેવાન રૈયાભાઇ રાઠોડને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયાનું શુક્રવારે તેમના જન્મદિવસે જ જાહેર થતા સમર્થકો, કાર્યકરોમાં આશ્ચર્ય સાથે પ્રદેશ નેતાગીરી સામે રોષ ભભુકી ઉઠયો હતો.
તરૂણ વયથી કોંગ્રેસ સાથે જોડાયેલા રાજકીય આગેવાનને પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારણદર્શક નોટીસ આપ્યા વિના સીધા જ પાણીચું પકડાવતા અનેક પ્રકારની ચર્ચાઓ રાજકીય આલમમાં જોવા મળી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ ગત તા. 27મી ડીસેમ્બરે રૈયાભાઇ દ્વારા પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખને મોકલવા સાથે સામાન્ય કાર્યકર તરીકે સક્રીય રહેવાનું જણાવ્યું હતું. આ અંગે રૈયાભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં મેં પાર્ટી વિરૂદ્ધનું કોઇ જ કામ કર્યુ નથી છતાં પણ મને કારણદર્શક નોટીસ આપી તેનો જવાબ લીધા વગર સસ્પેન્ડ કરી દેવાયા છે.