“નેશનલ ટ્રસ્ટ” એકટ હેઠળ કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે આશરે ૧૫૦ બાળકોને “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટ એનાયત કરાયાં

0
1022

“નેશનલ ટ્રસ્ટ” એકટ હેઠળ કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે આશરે ૧૫૦ બાળકોને “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટ એનાયત કરાયાં

 ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મનોદિવ્યાંગ બાળકોનું આર્થિક અને કાનૂની દ્રષ્ટિએ ભવિષ્ય સુનિશ્ચિત કરવા નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ સેરેબલ પાલસી, ઓટીઝમ, ડાઉન્સિન્ડ્રોમ અને મલ્ટીપલ ડિસેબીલીટી ધરાવતાં બાળકોને “લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટ” આપવામાં આવે છે. પૂરા ભારતભરમાં આ સર્ટિફેટ આપવાની સત્તા ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના હસ્તે આશરે ૧૫૦ જેટલાં મનોદિવ્યાંગ બાળકોને “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટ એનાયત કરાયાં હતા. માનવીય અભિગમના દર્શન કરાવતાં કલેકટરશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રીએ બાળકો પાસે જઈને સર્ટિફિકેટ અર્પણ કરીને વાર્તાલાપ કર્યો હતો.
આ તકે કલેકટરે મનોદિવ્યાંગ બાળકોના માતા પિતાની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકો માટે “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટ એક કિંમતી દસ્તાવેજ સ્વરૂપ છે. આ સર્ટિફિકેટના આધારે બાળકોને સરકારની યોજનાકીય સેવાઓનો લાભ સરળતાથી લઈ શકે છે. ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની તમામ જરૂરિયાતોને પુરી કરવામાં હર હંમેશા પડખે ઉભું છે.
નેશનલ ટ્રસ્ટ બોર્ડના સભ્ય પૂજાબેન પટેલે “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટના મહત્વ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળક ૧૮ વર્ષે પુખ્ત વયના થાય એટલે તેમના બેન્ક એકાઉન્ટ, વારસાઈ અને નાણાકીય વ્યવહાર અને મિકલતો માટે આ સર્ટીફીકેટ ખૂબ અગત્યનું છે. બાળકનો હક કોઈ અન્ય વ્યક્તિ પચાવીના પાડે તે માટે કલેકટરને તેના ગાર્ડિયન નિમવાની સત્તા આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકના નામે જે મિકલત હોય તેની જાણકારી પણ કલેકટરશ્રીને કરવી ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ૧૮ વર્ષની પહેલાં આ સર્ટિફિકેટ મેળવ્યું હોય તો બાળક ૧૮ વર્ષનું થાય તો ફરીથી આ સર્ટિફિકેટ રીન્યુ કરાવવાનું રહેશે.
ગુજરાત રાજ્ય યુનિક ડિસેબીલીટી આઈ.ડી કાર્ડ કાઢવાની ૭૦ ટકા કામગીરી સાથે ભારતભરમાં સૌથી આગળ છે. તેમજ રાજકોટ જિલ્લામાં યુ.ડી.આઈ.ડી કાર્ડની કામગીરી પૂર્ણતાના આરે છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા “ગુજરાત મેન્ટલી ડિસેબલ પેંશન સ્કીમ” યોજના હેઠળ રાજકોટનાં ૨૦૪૭ દિવ્યાંગ બાળકોને દર મહિને રૂપિયા ૧૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે.
વધુમાં કલેકટરશ્રીએ MSW અને BSW નો અભ્યાસ કરતી અને સમાજ કાર્યના અભ્યાસના ભાગરૂપે સમાજ સુરક્ષા વિભાગમાં ઇન્ટરશીપ કરીને સરકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડતી દીકરીઓની કામગીરીને બિરદાવીને તેમને  પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.ઠક્કર, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગોસ્વામી, મિત્સુબેન વ્યાસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.