ભારે વરસાદના કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ:197 જેટલી ફરિયાદ નોંધાઈ
ગઈ કાલે રાજકોટમાં ભારે વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારના 15 જેટલા ફીડર બંધ પડી જતા અનેક ઘરોમાં અંધારપટની સ્થિતિ છવાઈ હતી. શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા પોપટપરા અને કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે વીજળી ગુલ થઇ ગઈ હતી. વીજગ્રાહકોએ એકથી દોઢ કલાક સુધી રાહ જોયા બાદ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરમાં ફોન કરીને ફરિયાદ કરી હતી
વરસાદને કારણે ટ્રાન્સફોર્મર ફેલ થઇ જતા આ વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઈ હતી અને લોકોએ આખી રાત વીજળી વિના વિતાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. એકસાથે જુદા જુદા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતા પીજીવીસીએલનો સ્ટાફ પણ વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરીમાં લાગી ગયો હતો અને ઝડપથી ફોલ્ટ રિપેર કરી ફીડર ચાલુ કરી દીધા હતા.
ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થયા સહિતની જુદી જુદી 197 જેટલી ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી પીજીવીસીએલના સ્ટાફે 133 ફરિયાદ સોલ્વ કરી દીધી હતી જ્યારે 64 ફરિયાદ પેન્ડિંગ રહી હતી. રાજકોટ શહેરમાં નોંધાયેલી 70 ફરિયાદમાંથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 20 ફરિયાદનો નિકાલ કરાયો હતો જ્યારે 50 ફરિયાદ પેન્ડિંગ રહી હતી. રાજકોટના એચટી-1 સબ ડિવિઝન હેઠળ આવતા નવાગામ ફીડર, સદગુરુ ફીડર, નવા થોરાળા, મેંગો માર્કેટ, વરુણ, કમાણી ફીડર (આજી ઇન્ડસ્ટ્રિયલ એરિયા)માં ફીડર બંધ પડી ગયા હતા. જ્યારે એચટી-2 સબ ડિવિઝન હેઠળ આવતા આમ્રપાલી, ઓડિટોરિયમ ફીડર બંધ પડી ગયા હતા.
એચટી-3 હેઠળ રાધિકા ફીડર, અક્ષર, સંતોષીનગર, સીતવન, કસ્તુરી, નક્ષત્ર અને એવરેસ્ટ ફીડરમાં વરસાદને કારણે વીજફોલ્ટ સર્જાયા હતા અને અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી.