ભાવનગર : જ્ઞાનસેતુ સ્કૂલ પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર

0
156

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલના ધોરણ છ માં પ્રવેશ માટે આજે તારીખ 27 ને ગુરુવારે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લામાં ત્રણ ઝોનમાં લેવામાં આવી હતી જેમાં 39 હજાર વિદ્યાર્થીઓ માંથી 21 હજાર જેટલા ગેરહાજર રહ્યા હતા.

જ્ઞાનસેતુ સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષામાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય ઉપરાંત તાર્કિક, તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ 139 સેન્ટર ખાતે પરીક્ષા લેવાયેલ ત્રણ ઝોન પાડવામાં આવ્યા હતા. પ્રથમ મુક્તાલક્ષ્મી ગર્લ્સ હાઇસ્કુલ, દ્વિતીય માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ તેમજ ત્રીજો કે.જી.મહેતા સ્કૂલ મહુવાનો સમાવેશ કરાયેલ. આ ત્રણેય ઝોનમાં મળી કુલ 39,676 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

પરીક્ષા ત્રણ ઝોનમાં લેવામાં આવી હતી જેમાં ઝોન-1માં કુલ 11,026 વિદ્યાર્થીઓ માંથી હાજર 5455 અને ગેરહાજર 5571 રહ્યા હતા, ઝોન-2માં કુલ 15,727 વિદ્યાર્થીઓ માંથી હાજર 7167 અને ગેરહાજર 8560 રહ્યા હતા, ઝોન-3માં કુલ 12,923 વિદ્યાર્થીઓ માંથી હાજર 5770 અને ગેરહાજર 7153 રહ્યા હતા, આજે સવારે 11 થી 1:30 દરમિયાન પ્રવેશ પરીક્ષા લેવાયેલ જેમાં નોંધાયેલા પરીક્ષાર્થીઓ પૈકી 21,284 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 18,392 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આમ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે ગેરહાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં બાળકોએ પરીક્ષા આપી હતી.