મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ બાદ ભૂપેન્દ્ર પટેલે બુધવારે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. મુખ્યમંત્રીએ સીમંધર સ્વામીની મૂર્તિ તથા દાદા ભગવાનના ચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને દાયિત્વ સંભાળી લીધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજા-અર્ચનામાં સહભાગી થયા હતા અને નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તમામ મંત્રીઓની ગઇકાલે વિભાગની ફાળવણી કરવામાં આવી હતી, તેમણે પણ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે જ મંત્રીઓ એક્શનમાં આવી ગયા હતા. સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને તેમનાં ખાતાંની ફાળવણી કરાઈ હતી.
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે મંગળવાર તા.13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે.