લગ્નગાળામાં સોનું ખરીદવું બન્યું વધુ મોંઘુ : સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો

0
487

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. અને સોના ચાંદીની દુકાનોમાં પણ ભારે ભીડ જોવા મળે છે. ત્યારે મધ્યમ વર્ગ માટે એક માઠા સમાચાર સામે આવે છે, જેમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ હજુ ગઈકાલે રજૂ થયા બાદ સોના-ચાંદીનો ભાવ આજે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે.

લગ્નસરાની સિઝનમાં જ સોના-ચાંદીનો ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય વર્ગ માટે સોનુ ખરીદવું ખૂબ મોંઘું બની ગયું છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં ચાંદીનો ભાવ કીલોએ 5 હજાર વધી ગયો છે. જ્યારે સોનાનો ભાવ 10 ગ્રામ 3 હજાર જેટલો વધી ગયો છે. ચાંદીનો ભાવ 66 હજારથી વધીને 71 હજાર પર પહોંચ્યો છે. જ્યારે સોનાનો ભાવ 57 હજાર 500થી વધીને 60 હજાર 400 પર પહોંચ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી પહેલા 12.50 ટકા હતી જે 2 ટકા વધી 14.50 કરી દેવાઈ છે.

સાથે અન્ય ડ્યુટી મળીને કુલ 18 ટકા ડ્યુટી થઈ ગઈ છે સાથે 3 ટકા GST યથાવત્ રહ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે. તો સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી છે. લગ્નગાળામાં લોકો સોના-ચાંદીના દાગીના ખરીદતા હોય છે,પરંતુ હવે ભાવ વધારો થતા ગ્રાહકો પણ ઓછું સોનું-ચાંદી ખરીદવા મજબૂર છે.

સોના અને ચાંદીના ભાવ દરરોજ બદલાતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. જોકે, ઘણી ઉથલપાથલ બાદ આજે સોના-ચાંદીના ભાવ સ્થિર થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં સતત  ફેરફાર નોંધાતા હતા અને ચાંદીના દરમાં પણ ઝડપથી વધઘટ થઈ રહી હતી. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સોના ચાંદી અને હીરા જેવી કિમતી વસ્તુઓ મોંઘી  થઈ છે.