ગુજરાત ઉર્જા કર્મચારી હિતરક્ષક સમિતિ દ્વારા તા. 26મીથી આંદોલન:માંગણીઓનો સ્વીકાર ન થાય તો 17 ઓક્ટોબરે માસ સીએલ પર ઉતરશે

0
473

ગુજરાત ઉર્જા કર્મચારી હિતરક્ષક સમિતિ દ્વારા તા. 26મીથી આંદોલન:માંગણીઓનો સ્વીકાર ન થાય તો 17 ઓક્ટોબરે માસ સીએલ પર ઉતરશે

ગુજરાત ઉર્જા કર્મચારી હિતરક્ષક સમિતિ દ્વારા તા. 26મીથી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે અને માંગણીઓનો સ્વીકાર ન થાય તો 17મી ઓક્ટોબરે માસ સીએલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

ગુજરાત ઉર્જા કર્મચારી હિતરક્ષક સમિતિ દ્વારા જાહેર કરાયા મુજબ ઉર્જા વિકાસ નિગમ અને તેની સંલગ્ન કંપનીઓના ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નો વર્ષોથી પડતર છે અને ભૂતકાળમાં તેનાં ઉકેલની ખાતરી આપવામાં આવી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી. આ સંજોગોમાં મંડળ દ્વારા આંદોલનની નોટીસ આપવામાં આવી છે. ટેકનિકલ કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. 26મી સપ્ટેમ્બરથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કરવામાં આવશે. મંડળે એમ પણ કહ્યું છે કે આંદોલનના લીધે કોઇપણ પ્રકારની ઔદ્યોગિક અશાંતિ સર્જાય અથવા ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને મેેનેજમેન્ટની રહેશે.

વીજ કર્મચારી મંડળે જાહેર કરેલા આંદોલનાત્મક કાર્યક્રમો મુજબ 26મી સપ્ટેમ્બરે મૌન વ્રત ધારણ કરીને દરેક ઓફીસ, સબ સ્ટેશન અને વીજ મથક લેવલે મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. 27મી થી 29 સપ્ટેમ્બર દરમિયાન કાળીપટ્ટી ધારણ કરીને ઓફીસ સમય પહેલા સુત્રોચ્ચારો કરવામાં આવશે. 3 થી 8 ઓક્ટોબર દરમિયાન વર્ક ટુ રુલ યોજવામાં આવશે. 10મી ઓક્ટોબરે દરેક ઓફીસ, સબસ્ટેશન પર ધરણા-પ્રદર્શન અને સુત્રોચ્ચારો કરવામાં આવશે જ્યારે 27 ઓક્ટોબરે માસ સીએલનું એલાન આપવામાં આવ્યું છે.