CIDની ટીમ ચોંકી ઉઠી: મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં
રાજકોટ, તા. 20
ઉત્તર ગુજરાતમાં ઇણ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા નામના કૌભાંડીએ એકના ડબલ કરી આપવાનું કહી 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું હતુ. જેમાં ગુજરાતની સામાન્ય જનતાની સાથે સાથે શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ, નિવૃત કર્મચારીઓ, લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે. તેમજ સરકારી કર્મચારીઓ પણ કૌભાંડીના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ હતુ. ભૂપેન્દ્ર ઝાલા, દરેક એજન્ટને રોકાણ સામે 5થી 25 ટકાનું કમિશન આપતો હતો. CIDએ બે બેંક ખાતાની તપાસ કરતા, બંને ખાતામાંથી રૂપિયા 175 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું હતુ. જો કે આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
BZ Group Scamમાં ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવતા સીઆઇડીની ટીમ ચોંકી ઉઠી છે. જેમાં તપાસનો રેલો હવે સ્થાનિક અને ગાંધીનગર, અમદાવાદના અધિકારીઓ સુધી પહોંચશે તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ત્યારે BZ Group Scam મામલે પ્રાથમિક શિક્ષકની અટકાયતનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક શિક્ષણાધિકારી કેયૂર ઉપાધ્યાયે શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જેમાં તાલુકા શિક્ષણના અધિકારીઓને તપાસના આદેશ આપતા બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સંડોવણીને લઈ શિક્ષકની તપાસ શરુ કરાઈ છે. તેમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા શિક્ષકની અટકાયત કરી પૂછપરછ કરવાને લઈ તપાસ થઇ છે અને સીઆરસી, બીઆરસી આગેવાનીમાં પ્રાંતિજની પ્રાથમિક શાળામાં તપાસની કાર્યવાહી થઇ છે.
સીઆઈડી ક્રાઇમ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. 1 મહિનાથી અલગ-અલગ જગ્યાઓ પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ચોંકાવનારો ખુલાસો કરતા સીઆઈડી ક્રાઈમે કહ્યું કે BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે. ગ્રાહકોને મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતા હતા. કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે કહેવું મુશ્કેલ છે. 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ ગ્રુપ દ્વારા શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. દરોડો દરમિયાન 16.37 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે CID ક્રાઇમ રાજકુમાર પાંડિયનએ કહ્યું કે દરોડા દરમિયાન 16.37 લાખ રોકડા મળી આવ્યા છે. એગ્રીમેન્ટ અને 34 દસ્તાવેજો પણ મળ્યા છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 અન્ય લોકોની પણ અટકાયતો કરવામાં આવી છે. એજન્ટોને 5થી 25 ટકા કમીશન આપવામાં આવતું હતું.
BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડ મામલે CID ક્રાઈમના SP હિમાંશુ વર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સમગ્ર મામલે CID ક્રાઈમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, BZ કૌભાંડમાં કુલ 3 ફરિયાદ મળી છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ 12 કંપની બનાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 કંપનીના 16 એકાઉન્ટની તપાસ થઈ છે. રોકડ પૈસા આંગડિયા મારફતે મોકલવાના પુરાવા પણ મળ્યા છે.
