મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટથી ગાંધીનગર હેલીપેડ પર આવીને સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

0
3457

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટથી ગાંધીનગર હેલીપેડ પર આવીને સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રવિવારે રાજકોટથી ગાંધીનગર હેલીપેડ પર આવીને સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જયાં તેમણે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેણી સાથે અને ઉચ્ચ અધિકારીઓ સાથે રવિવારે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના છોટેઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથોસાથ આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચના આપી હતી.

છોટાઉદેપુરમાં 400, નવસારીમાં 550 અને વલસાડમાં 400, નવસારીમાં 550 અને વલસાડમાં 470 સહિત રાજયભરમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહીને પગલે આ જિલ્લાના કલેકટરોને જરૂર જણાય તો વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરની વ્યવસ્થા માટે સજજ રહેવા તાકીદ કરી હતી. એટલું જ નહીં, પોલીસની મદદ લઈને સ્થળાંતર અને કોઈ જાનહાની ન થાય અને ઓછામાં ઓછી નુકસાની થાય તે જોવા તાકીદ કરી હતી. રાજયના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશ્નર પી. સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદની બેઠકમાં જોડાયા હતા.

રાજયમાં એનડીઆરએફની 13 ટીમ અને એસડીઆરએફની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી એસડીઆરએફની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. અસરગ્રસ્ત 6 જિલ્લાના કલેકટરોને જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘુસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા આદેશ અપાયો હતો. રાજયમાં આજની સ્થિતિએ સ્ટેટ હાઈવે, પંચાયત હાઈવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 જેટલા માર્ગો બંધ છે. આ સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાંની જરૂર જણાય તો સ્થાનિક સ્તરે જ જરૂરી નિર્ણય લઈ ત્વરીત કાર્યવાહી કરવા કલેકટરોને આદેશ આપ્યો છે.