લોકમેળાના આયોજન માટે તંત્ર દ્વારા તૈયારીઓનો પ્રારંભ:સ્ટોલ માટે આગામી તા. 26થી ટેન્ડર પ્રક્રિયા શરુ 

0
806

લોકમેળાના આયોજન માટે તંત્ર દ્વારા તૈયારીઓનો પ્રારંભ:સ્ટોલ માટે આગામી તા. 26થી ટેન્ડર પ્રક્રિયા શરુ 

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે વર્ષના લાંબા સમયગાળા બાદ આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસનો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવાનું જાહેર કરવામાં આવેલ હોય જે અંગેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે.લોકમેળાના સ્ટોલ માટે આગામી તા. 26થી ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવનાર છે.

લોકમેળાનાં સ્ટોલવાઇઝ વિવિધ ભાવ અને લે-આઉટ આખરી બહાલી માટે કલેક્ટર અરુણ મહેશ બાબુ સમક્ષ મુકી દેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળામાં 238 જેટલા વિવિધ સ્ટોલ્સ, યાંત્રિક રાઇડ્સ, પ્રદર્શની તેમજ જાગૃતિ વિષયક સ્ટોલ રાખવામાં આવે છે.

આ ઉપરાંત ફાયર-સેનાના જવાનોની કામગીરીને પ્રદર્શિત કરતાં સ્ટોલ તેમજ હાથવણાટની વિવિધ ચીજવસ્તુઓને લગતા હેન્ડીક્રાપટના સ્ટોલ પણ આ મેળામાં રાખવામાં આવેલ છે. આ મેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે.કોરોનામાં બે વર્ષ સુધી લોકમેળા નું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસનો જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાનો નકશો તેમજ અલગ અલગ સ્ટોલનાં કેટેગરી મુજબના ભાવપત્રક મંજુરી માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુને મોકલી અપાયેલ હોય જેની બહાલી મળે આગળની કાર્યવાહી થશે તેમજ લોકમેળાના સ્ટોલ માટે વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 26થી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે બાદ ફોર્મ વિતરણ અને સ્ટોલની હરરાજીની તારીખ નિયત કરાશે. આમ જન્માષ્ટમીનો લોકમેળો આયોજીત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર એકશનમાં આવી તૈયારીઓ આરંભી દીધી છે.