શાપર વેરાવળ ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના “ઉજ્જવલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય” કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો

0
409

શાપર વેરાવળ ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના “ઉજ્જવલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય” કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રિવેમ્પડ ડીસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ,

નેશનલ સોલાર રૂફ્ટોપ પોર્ટલ અને ગ્રીન હાઇડ્રોજન પરિયોજનાઓનું ડિજિટલી લોકાર્પણ કરાયું

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ સરકારશ્રીના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા પાવર સેકટરની પ્રગતિ અને ૨૦૪૭ સુધીના ભવિષ્યના આયોજનને લઈને “ઉજ્જવલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય” કાર્યક્રમ યોજાયા હતા. જેનો સમાપન સમારોહ શાપર – વેરાવળ ખાતે યોજાયો હતો. આ સમાપન કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રિવેમ્પડ ડીસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અને નેશનલ સોલાર રૂફ્ટોપ પોર્ટલ તેમજ ગ્રીન હાઇડ્રોજન પરિયોજનાઓનું ડિજિટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરએ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધ દ્રષ્ટિને કારણે આજે અશ્ક્ય લાગતી વસ્તુઓ શક્ય બની છે. સૌની યોજના તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે જ રીતે પ્રધાનમંત્રીશ્રી ભારતને વિદ્યુત ક્ષેત્રે પણ ખૂબ આગળ લઈ જશે. પહેલાના સમયમાં વીજળીની અછતને કારણે અઠવાડિયામાં બે દિવસ લોકલ ઇન્ડસ્ટ્રીમાં રજા રાખવી પડતી હતી. જેને લીધે કારીગર મજૂરોને પાંચ જ દિવસ કામ મળે અને તેમના પર આર્થિક બોજ વધતો. પરંતુ આજે ગુજરાતના ઓદ્યોગિક એકમોને પૂરતી વીજળી મળી રહી છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ઉધોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્ટ્યથી કરવામાં આવી હતી. ચીફ એન્જિનિયરશ્રી જે. જે. ગાંધી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આપત્તિના સંજોગોમાં દિવસ-રાત કાર્યરત રહી વીજળી પુનઃ સ્થાપિત કરતાં પી.જી.વી.સી.એલના કર્મચારીઓની પ્રતિબધ્ધતાને બિરદાવી હતી.

આ સમાપન સમારોહમાં કોટડાસાંગાણી તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી ધીરુભાઈ કોરાટ, તાલુકા પંચાયત સદસ્યોશ્રી ગોવિંદભાઈ રાઠોડ, વાલજીભાઈ કોરાટ, અશ્વિનભાઈ ગઢીયા, સરપંચશ્રી શાપર તથા સરપંચશ્રી વેરાવળ, ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલારા તેમજ અન્ય અગ્રણીઓ તથા પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી વરૂણ કુમાર બરનવાલ, ડેપ્યુટી કલેક્ટરશ્રી પ્રજ્ઞાબેન ગોંડલિયા તેમજ પી.જી.વી.સી.એલ.ના એડી ચીફ એન્જીનીયર વી.એલ. ડોબરીયા તેમજ રાજકોટ ગ્રામ્ય તેમજ શહેર સર્કલના પી.જી.વી.સી.એલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.