રાજ્યભરમાં કન્જક્ટિવાઇટિસ અને સાદી ભાષામાં આંખ આવવાનો રોગ વકર્યો છે. જેમાં બાળકો અને મોટી ઉંમરના લોકો તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. બાળકોમાં આ રોગ મોટા પ્રમાણમાં વકર્યો હોવાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલીક શાળાઓના વર્ગોમાં કન્જક્ટિવાઈટિસના કારણે બાળકોની હાજરી અડધાથી પણ ઓછી જોવા મળી રહી છે. માત્ર શાળાઓ જ નહિ કોલેજોમાં પણ 15થી 20 ટકા હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શાળા સંચાલકો પણ આંખમાં સહેજ પણ તકલીફ હોય તેવાં બાળકને શાળાએ ન મોકલવા સૂચના આપી રહ્યા છે. શાળાઓમાં પણ કામચલાઉ કન્જક્ટિવાઇટિસ મેડિકલ ઇમર્જન્સી કાઉન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી રહી છે. સાથે સાથે ચોમાસામાં ભેજયુક્ત વાતાવરણથી અલગ અલગ વાહકજન્ય બીમારીઓ ઝડપથી વધી રહી છે. રોગનો વધુ પડતો ફેલાવો જોતાં તથા રોગની ગંભીરતાને જોતાં સરકારે પણ કોવિડકાળની જેમ જ ધન્વંતરિ રથ ઇમર્જન્સી સહાય માટે મેદાનમાં ઉતાર્યા છે.