રેલનગરમાં કોર્પોરેશન દ્વારા ડિમોલીશન : 44 કરોડની જમીન ખુલ્લી કરાઇ

0
316

અનામત પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું

મનપાની ટીપી શાખાએ આજે વોર્ડ નં.3ના રેલનગર વિસ્તારમાં 44 કરોડની કિંમતના પ્લોટમાં શરૂ થયેલું રૂમનું બાંધકામ તોડી પાડયું હતું. આ જગ્યાએ કોઇ વ્યકિત દ્વારા રહેવા માટે રૂમ બંધાતો હોવાની વિગત ધ્યાન પર આવતા આ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટીપીઓ એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા ગઇકાલે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં ટી.પી. સ્કીમ-19 (રાજકોટ)ના રેલનગરમાં આ ડિમોલીશન કરવામાં આવ્યું હતું. કોર્પો.ના એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ હેતુના અનામત પ્લોટમાં રૂમનું ચાલુ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે 44 કરોડની કિંમતની 8820 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટીપી સેન્ટ્રલ ઝોન, જગ્યા રોકાણ, રોશની તથા વિજીલન્સ પોલીસ બંદોબસ્ત સહિતનો સ્ટાફ રોકાયો હતો.

જુદા જુદા વિસ્તારમાં લોકોની ફરિયાદના આધારે અને પેટ્રોલીંગ દરમ્યાન ધ્યાને

આવતા આવા ગેરકાયદે બાંધકામ સામે કામગીરી ચાલુ છે તો સાથે જ લોકોમાંથી આવતી ફરિયાદો, અરજી, કોલ સેન્ટરમાં આવતી ફરિયાદો પરથી પણ ઝડપભેર ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવે તેવું અરજદારો ઇચ્છી રહ્યા છે. વધુ એક પ્લોટમાં ઘુસણખોરી ધ્યાને આવતા આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.