RMC-પ્રવાસન નિગમ દ્વારા ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં આયોજન, 60 જેટલા દેશ-વિદેશના પતંગબાજો જોડાશે
રાજકોટ મિરર, તા.5
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ. નાં સંયુક્ત ઉપક્રમે ’આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 12 જાન્યુઆરી 2025નાં રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડમાં ’આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’ યોજાશે. જેમાં વિવિધ દેશોના તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગવીરો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂૂપાલાના હસ્તે કરાશે. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયના પેઢડીયા ઉપસ્થિત રહેશે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી તેમજ હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરે તે માટે પ્રતિવર્ષ વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂૂઆત કરી હતી. જે અંતર્ગત આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. 12 જાન્યુઆરીને રવિવારે સવારના ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. 60 જેટલા પતંગબાજો જોડાશે તેવું તંત્ર જણાવે છે.
