કેન્દ્રીય ચૂંટણી પંચનાં અધિકારીઓ દ્વારા આગામી શુક્રવારથી ફરી બે દિવસ રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને તાલીમ અપાશે

0
13062

કેન્દ્રીય ચૂંટણી પંચનાં અધિકારીઓ દ્વારા આગામી શુક્રવારથી ફરી બે દિવસ રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને તાલીમ અપાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર તેમજ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓ તડામાર આરંભી દેવામાં આવી છે. અગાઉ રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવ્યા બાદ હવે ફરી વાર કેન્દ્રીય ચૂંટણી પંચનાં અધિકારીઓ દ્વારા આગામી શુક્રવારથી બે દિવસ રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને તાલીમ આપવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓને પણ ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવી હતી. હવે રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને ચૂંટણી તાલીમ માટે ફરી ગાંધીનગર ખાતે બે દિવસ શુક્રવાર અને શનિવારનાં બોલાવવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના તમામ મતદાન મથકોની ચકાસણીની કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવેલ છે. તેની સાથોસાથ હવે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઇવીએમ મશીનોની ચકાસણીની કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવનાર છે.આમ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ ઇલેકશન મોડમાં આવી ચૂંટણીલક્ષી કામગીરી પુરજોશમાં શરુ કરી દીધી છે. મતદાન મથકો ઉપર સ્ટાફની તૈનાતી માટે ડેટાબેઇઝ પણ તૈયાર કરી દેવામાં આવેલ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા એક પછી એક અધિકારીઓ અને કર્મચારીઓનો તાલીમ વર્ગ ગોઠવવામાં આવી રહ્યા છે. જેમાં હવે આગામી શુક્ર અને શનિવાર બે દિવસ ગાંધીનગર ખાતે ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટરોનો તાલીમ વર્ગ યોજાશે જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરુરી તાલીમ પુરી પાડવામાં આવશે.