વઢવાણ લખતર હાઇવે પર કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી ટ્રક સોમવારની રાત્રે પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો સહિત તોડીને ૫૦ ફૂટ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં જૂનાગઢના ડ્રાઇવરનું મોત થયું છે તેમજ ક્લિનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સુરેન્દ્રનગર-વઢવાણ-લખતર હાઇવે પર દિવસે દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી સોમવારની રાત્રે અંદાજે ૧૨:૩૦ કલાકે જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો તોડીને અંદાજે ૫૦ ફૂટ નીચે ખાબક્યો હતો. બનાવમાં ઘટના સ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા કોઠારિયા ગામલોકો તેમજ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ એ.વી.દવે સહતિની ટીમ પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.મૃતક ટ્રકના ડ્રાઇવર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના ૪૭ વર્ષના ભાનજીભાઈ રાણાભાઈ મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિર આ જ ગામના નાગાજણભાઈ ઉકાભાઇ કેસવાડા હોવાનું ખૂલ્યું હતું.